પંચમહાલ જિલ્લો નૈસર્ગિક સંપત્તિથી સમૃદ્ધ હોવા છતાં ગુજરાતના સમાજજીવનથી વેગળો પડી જતો વિસ્તાર છે. આર્થિક, સામાજિક રીતે પછાત ગણાતાં આ જિલ્લામાં બ્રિટિશ શાસન દરમિયાન ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ, ઝાલોદ એમ પાંચ મહાલ, અર્થાત વિભાગ સમાવાયેલા હોવાથી તે પાવાગઢ પંચમહાલ તરીકે ઓળખાતો હતો. કેટલાંક લોકો અહીં પાંચ મહેલ હોવાથી પંચમહાલની વ્યાખ્યા કરીને પાંચ મહેલ શોધવાનો ઉદ્યમ કરે છે જે નિરર્થક છે. પંચમહાલની શહેરા વિધાનસભા બેઠક ચૂંટણી પંચ મુજબ 124મો બેઠકક્રમાંક ધરાવે છે.
Advertisement
Advertisement
મિજાજઃ
ગુજરાત રાજ્યના વિભાજન સાથે જ અસ્તિત્વમાં આવેલી આ બેઠકનો મિજાજ અનોખો રહ્યો છે. 1962થી 1995 સુધી લગાતાર કોંગ્રેસને સમર્પિત રહેલી આ બેઠક 1998થી 2017 સુધી ભાજપના જેઠાભાઈ ભરવાડ (આહિર)નું ચુસ્ત, મક્કમ સમર્થન કરતી રહી છે. લોકસભા બેઠક ગોધરા અંતર્ગત આવતી આ વિધાનસભા બેઠક પર જ્ઞાતિવાદ આધારિત મતદાન થવાને બદલે મોટાભાગે મજબૂત ઉમેદવારની તરફેણમાં સાગમટે મતદાન કરવાનો ટ્રેન્ડ રહ્યો છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | જેઠાભાઈ ભરવાડ | એસપી | 22,369 |
2002 | જેઠાભાઈ ભરવાડ | ભાજપ | 57,064 |
2007 | જેઠાભાઈ ભરવાડ | ભાજપ | 18,453 |
2012 | જેઠાભાઈ ભરવાડ | ભાજપ | 28,725 |
2017 | જેઠાભાઈ ભરવાડ | ભાજપ | 41,069 |
કાસ્ટ ફેબ્રિક
અહીં ક્ષત્રિય, કોળી, બારૈયા, ભરવાડ અને આદિવાસી સમાજની વસ્તી સૌથી વધુ છે. આદિવાસી મતદારોની સંખ્યા સૌથી વધુ છે પરંતુ પંચમહાલ (ગોધરા) લોકસભા બેઠક પરથી મોટાભાગે ક્ષત્રિય ઉમેદવારો જીતતાં આવ્યા છે. જ્યારે શહેરા વિધાનસભા બેઠક પર એથી ઉલટું ક્ષત્રિય સામે અન્ય જ્ઞાતિઓનું સમીકરણ મજબૂત બનતું હોવાથી અન્ય જ્ઞાતિના ઉમેદવાર જીતે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ સંતરામપુરઃ કોંગ્રેસનું એક સમયનું રજવાડું હવે ભાજપનો’કુબેર ખજાનો’ બનવાના પંથે
સમસ્યાઓઃ
પીવાના પાણીની સમસ્યા અહીં સૌથી વિકરાળ છે. જમીનના તળ એટલાં ઊંડા ગયેલાં છે કે શહેરી વિસ્તારમાં ડંકી કે ગ્રામ્ય વિસ્તારોમાં કૂવામાં પણ પીવાલાયક પાણી મળવું દોહ્યલું બનતું જાય છે. શિયાળો હજુ ઉતર્યો ન હોય ત્યાં અહીં ટેન્કરરાજ શરૂ થઈ જાય છે. ખેતીમાં પણ પાણી અને સિંચાઈની સમસ્યા છે. રમણિય સ્થળોને લીધે અહીં ફિલ્મ સ્ટુડિયો વિકસાવવાનો પ્રોજેક્ટ આગળ વધ્યો નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
અહીં છેલ્લાં અઢી દાયકાથી ચૂંટણી એટલે જેઠાભાઈ અને જેઠાભાઈ એટલે જીતની ગેરંટી એવું નિશ્ચિત મનાતું રહ્યું છે. સમાજવાદી પાર્ટીના ચિહ્ન પરથી પહેલી ચૂંટણી લડ્યા પછી ભાજપમાં જોડાઈ ગયેલાં જેઠાભાઈ તેમની દબંગ છબી માટે જાણીતા છે. ઉંમર, એકધારી બિનહરિફ ઉમેદવારી, એકથી વધુ હોદ્દા એવાં ભાજપના એકેય માપદંડ જેઠાભાઈને લાગુ પડતાં નથી. પંચમહાલ ડેરી અને સહકારી બેન્કનું અધ્યક્ષ પદ સંભાળતાં જેઠાભાઈને આ વખતે ક્યા માપદંડથી ટીકિટથી વંચિત રાખવા એ ભાજપ માટે આંતરિક પડકાર હશે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ છોટાઉદેપુરઃ કોંગ્રેસી વેવાઈઓના ઝગડામાં ગઢ તોડવા ભાજપ આશાવાદી
હરીફ કોણ છે?
જેઠાભાઈ સામે હરીફ નામ પૂરતાં જ હોય છે એવો પચ્ચીશ વર્ષનો ઈતિહાસ છે. જોકે કોંગ્રેસના જે કેટલાંક ઉમેદવારોએ મક્કમ હરીફાઈ આપી હતી તેમાં ગત ચૂંટણીના દુષ્યંતસિંહ ચૌહાણ અને એ અગાઉના તખતસિંહ સોલંકીના નામ મુખ્ય ગણવા પડે. આ વખતે ફરીથી દુષ્યંતસિંહે કોંગ્રેસની ટીકિટ માટે દાવેદારી કરેલી છે.
ત્રીજું પરિબળઃ
2012માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે હારી ચૂકેલાં તખતસિંહ સોલંકીએ આ વખતે આમઆદમી પાર્ટી વતી ઉમેદવારી કરી છે. સ્થાનિક સ્તરે તેમજ લુણાવાડા પંથકમાં સારી એવી સાખ ધરાવતા તખતસિંહ જોકે કોંગ્રેસના વોટ તોડે એવું સ્થાનિક અનુમાન છે. એ સંજોગોમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત બની જશે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મહેમદાવાદઃ વિખ્યાત ભમ્મરિયા કૂવામાં ડૂબેલી કોંગ્રેસ આ વખતે બહાર નીકળી શકશે?
Advertisement