મસ્કત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના એક વિમાનમાં અચાનક ધુમાડો નીકળવા લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કોચીન જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX 442ના એન્જિન નંબર 2માં ધુમાડો નીકળવા અને આગ લાગ્યા બાદ 140થી વધારે મુસાફરોને ઇમરજન્સીમાં બહાર કાઢવામાં આવ્યા હતા. ઓમાન સ્થિત મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દૂર્ઘટનામાં આશરે 14 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યુ કે મુસાફર વિમાનમાં ધુમાડો નીકળ્યા બાદ સ્લાઇડ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યુ કે આ વિમાન બુધવાર સવારે કોચ્ચી માટે રવાના થવાનું હતુ પરંતુ તે પહેલા જ આ દૂર્ઘટનાનો શિકાર બની ગયો હતો. મહત્વપૂર્ણ છે કે મસ્કત ઓમાનનું પાટનગર છે.
Advertisement
Advertisement
એક અધિકારીએ કહ્યુ, “VT AXZના રજિસ્ટર્ડ વિમાન, બી/37-800 મસ્કતમાં ટેક-ઓફ માટે તૈયાર હતુ ત્યારે તેમાં ધુમાડો અને એન્જિન નંબર 2માં આગ લાગવા વિશે ખબર પડી હતી. જોકે, તમામ મુસાફરો (141+4 બાળક)ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.” અધિકારીઓએ કહ્યુ, મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગ લઇ જવામાં આવ્યા છે અને તેમણે પરત લાવવા માટે એક રાહત ઉડાનની વ્યવસ્થા કરવામાં આવશે.
એર ઇન્ડિયા એક્સપ્રેસની મસ્કત-કોચ્ચી ફ્લાઇટ જ્યારે ઉડાન દરમિયાન રન વે પર હતી ત્યારે તેમાં ધુમાડાની ખબર પડી હતી, તે બાદ ઇમરજન્સીમાં મુસાફરોને સ્લાઇડના માધ્યમથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિમાનમાં 141 મુસાફર અને છ ચાલક દળ સવાર હતા. તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને તે તમામ સુરક્ષિત છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “મુસાફર માટે બીજી ફ્લાઇટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.” ડાયરેક્ટર જનરલ, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) અરુણ કુમારે કહ્યું, “અમે તપાસ કરીશું અને યોગ્ય પગલાં લઈશું.” ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે એક નિષ્ણાતે એન્જિનમાં આગ વિશે જાણ કરી હતી જેના પગલે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા અને મુસાફરોને બહાર કાઢવા માટે ટેક્સીવે પર સ્લાઇડ્સ ગોઠવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા કાલિકટથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને સળગવાની ગંધ આવતા મસ્કત તરફ ડાયવર્ટ કરવું પડ્યું હતું. જો કે, બાદમાં કોઈ ગંભીર ઘટનાના સંકેત મળ્યા ન હતા.
Advertisement