નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કુલ 1618 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝપલાવ્યું છે. તેમાંથી 16 ટકા એટલે કે 252ની વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ હોવાના ડેટા સામે આવ્યા છે. નેશનલ ઇલેકશન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યા પછી આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે જેમા 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ વખત સાત તબક્કામાં મતદાન થશે. 19 એપ્રિલ પછી 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને મતદાન થશે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સાત તબક્કામાં ચૂંટણી થવાની છે. ચાર જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. એડીઆરના રિપોર્ટ અનુસાર 10 ટકા ઉમેદવારો વિરુદ્ધ ગંભીર કેસો દાખલ છે. સાત ઉમેદવારો પર હત્યા, 18 સામે મહિલાઓની વિરુદ્ધ બળાત્કાર જેવા અપરાધ, 35 ઉમેદવારો વિરુદ્ધ હેટ સ્પીચના કેસ દાખલ છે.
રિપોર્ટ અનુસાર ભાજપના 78માંથી 28 તથા કોંગ્રેસના 56માંથી 19 ઉમેદવારો વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. રાજદની વાત કરવામાં આવે તો તેના આ તબક્કાના ચારેય ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ છે. ડીએમકે, સપા, ટીએમસી અને બીએસપીના ક્રિમિલ કેસવાળા ઉમેદવારોનું પ્રમાણ અનુક્રમે 59, 43, 43 અને 13 ટકા છે.
102માંથી 42 લોકસભા બેઠકો પર રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રેડ એલર્ટ એવી બેઠકો માટે જારી કરવામાં આવે છે જેના પર ત્રણથી વધારે ઉમેદવારો પર ક્રિમિનલ કેસ દાખલ હોય છે. એડીઆરના રિપોર્ટ અનુસાર 1618 ઉમેદવારો પૈકી 450થી વધુ સામે એક કરોડથી વધારેની સંપત્તિ છે. ભાજપના 90 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 88 ટકા ઉમેદવારો પાસે એક કરોડથી વધુની સંપત્તિ છે. જો કે પ્રથમ તબક્કામાં ચૂંટણી લડનારા 10 ઉમેદવાર એવા પણ છે જેમણે જણાવ્યું છે કે તેમની પાસે કોઇ સંપત્તિ નથી.
તમામ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 4.51 કરોડ છે. તૃણમુલના પાંચ ઉમેદવારોની પાસે સરેરાશ 3.72 કરોડની સંપત્તિ છે. સંપત્તિની બાબતમાં ટોચના ત્રણ ઉમેદવારોમાં કોંગ્રેસના નકુલ નાથ (716 કરોડથી વધુ), એઆઇએડીએમકેના અશોક કુમાર (662 કરોડ) અને ભાજપના દેવનાથન યાદવ ટી (304 કરોડ) સામેલ છે. સૌથી ઓછી સંપત્તિ જાહેર કરનારા ઉમેદવારો કોંગ્રેસના જ છે.
Advertisement