કોલકાતા: દેશ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ એટલે કે 2જી ઓક્ટોબરે યાદ કરી રહ્યો હતો, ત્યારે હિન્દુ મહાસભા તેમને રાક્ષસ તરીકે ચિત્રરવામાં વ્યસ્ત છે. જ્યાં એક તરફ લોકો દુર્ગા પૂજાની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ હિંદુ મહાસભા દુર્ગા પૂજા પંડાલમાં મહિષાસુરના ચહેરાની જગ્યાએ મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરી રહી છે.
Advertisement
Advertisement
અસલમાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં રૂબી પાર્ક પાસે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આયોજિત દુર્ગા પૂજા પંડાલમાં મહાત્મા ગાંધીને મા દુર્ગાની મૂર્તિ સાથે મહિષાસુરના રૂપમાં બતાવવામાં આવ્યા છે. પંડાલમાં મા દુર્ગા મહાત્મા ગાંધીનો વધ કરતા નજરે પડી રહ્યાં છે.
હિંદુ મહાસભાની આ કાર્યવાહી અંગેની પ્રતિક્રિયાએ વિવાદ વધ્યો તો આયોજકોએ કહ્યું હતું કે તે માત્ર એક “સંયોગ” હતો, જોકે હિંદુ મહાસભાનું કહેવું છે કે સ્વતંત્રતા ચળવળમાં ગાંધીજીની ભૂમિકા માટે તેમની ટીકા થવી જોઈએ.
મહાત્મા ગાંધીનું અપમાન કરવાના પ્રયાસોની રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, CPI-M અને કોંગ્રેસ સહિત લગભગ તમામ રાજકીય પક્ષોએ ટીકા કરી છે.
અખિલ ભારતીય હિંદુ મહાસભાના પશ્ચિમ બંગાળ રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ ચંદ્રચુડ ગોસ્વામીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે,
“માથા પર વાળ વગરની અને ચશ્મા પહેરેલી વ્યક્તિ ગાંધી જ હોય તે જરૂરી નથી. અસુરના હાથમાં એક ઢાલ છે. ગાંધીએ ક્યારેય ઢાલ રાખી નથી. આ એક યોગાનુયોગ છે કે અમારો ‘અસુર’ જેની માતા દુર્ગા વધ કરી રહ્યાં છે તે ગાંધી જેવો દેખાય છે. ઘણા લોકોએ કહ્યું કે તે ગાંધી જેવો દેખાય છે. જો કે ગાંધીજીની ટીકા થવી જોઈએ એ વાત પણ સાચી છે.”
આ પણ વાંચો : ભાજપ પ્રેમમાં કોંગ્રેસને ત્રણ તલાક આપનાર અલ્પેશ ઠાકોર ફરીથી રાધનપુરના વરરાજા બનવા માંગે છે
ટીએમસીનો ભાજપ પર પ્રહાર
તૃણમૂલ કોંગ્રેસના રાજ્ય મહાસચિવ કુણાલ ઘોષે તેને “અભદ્રતાની પરાકાષ્ઠા” ગણાવી અને કહ્યું,
“આ ભાજપનો અસલી ચહેરો છે. બાકી તેઓ નાટક કરે છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે. વિશ્વ ગાંધી અને તેમની વિચારધારાને માન આપે છે. મહાત્મા ગાંધીનું આવું અપમાન સ્વીકારી શકાય નહીં. અમે સખત વિરોધ કરીએ છીએ.”
સીપીઆઈ-એમની કેન્દ્રીય સમિતિના સભ્ય સમિક લાહિરીએ પણ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, આ ભાજપ છે અને આ સંઘ પરિવાર છે. તેઓ માત્ર દેશનું વિભાજન કેવી રીતે કરવું તે જાણે છે. તેઓ બ્રિટિશ વિરોધી શક્તિઓને ‘અસુર’ અને અંગ્રેજોને મા દુર્ગા માને છે.”
ભાજપે આ સમગ્ર મામલે હિન્દુ મહાસભાની હરકતોની નિંદા કરી છે. ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે, અમે આવી બાબતોનું સમર્થન કરતા નથી. આવી બાબતો બિલકુલ અસ્વીકાર્ય છે અને વહીવટીતંત્રે આયોજકો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.”
તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ અનુસાર મહિષાસુરનો વધ મા દુર્ગાએ કર્યો હતો.
અખિલ ભારતીય હિંદુ મહાસભાના ચંદ્રચુડે મહિષાસુરની જગ્યાએ બાપુની પ્રતિમાને સંયોગ ગણાવ્યો હશે, પરંતુ થોડા સમય પછી તેમણે બાપુ વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કર્યું. ચંદ્રચુડે ગાંધી મુક્ત ભારતની વાત કરી હતી. ચંદ્રચુડે કહ્યું, “રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે તેમની ટીકા થવી જોઈએ. અમારા વાસ્તવિક હીરો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહ છે. અમે ગાંધીની ટીકા કરતા ડરતા નથી.” “અમે બધાને સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે અમને ગાંધી-મુક્ત ભારતવર્ષ જોઈએ છે. અમે પૂછીએ છીએ કે કેન્દ્ર સરકાર નાથુરામ ગોડસેનું પુસ્તક ‘વ્હાય આઈ કિલ્ડ ગાંધી’ કેમ જાહેર કરી રહી નથી.
Advertisement