દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વાંધાજનક પોસ્ટર લગાવવાના મામલે દિલ્હી પોલીસે 100 FIR નોંધી છે. મીડિયા અહેવાલ અનુસાર, આ પોસ્ટરો પર લખવામાં આવ્યું હતું, ‘મોદી હટાઓ-દેશ બચાવો.’ દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર આખા શહેરમાં લગાવવામાં આવ્યા છે, જેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ (વાંધાજનક) પોસ્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસ વિશે કોઈ માહિતી નથી.
Advertisement
Advertisement
પોસ્ટરની લીંક આમ આદમી પાર્ટી સાથે સંબંધિત
સ્પેશિયલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પોસ્ટરની લીંક આમ આદમી પાર્ટી સાથે સંબંધિત છે. દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે વાનને આમ આદમી પાર્ટીની ઑફિસમાંથી નીકળતાંની સાથે જ પોલીસે અટકાવી હતી. તેમાંથી ઘણાં પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા અને કેટલાંકની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને મિસએપ્રોપ્રિએશન ઑફ પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ આ એફઆઈઆર નોંધવામાં આવી છે.
સમગ્ર શહેરમાંથી હજારો પોસ્ટર હટાવાયા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દિલ્હી શહેરમાંથી લગભગ 2,000 પોસ્ટર હટાવવામાં આવ્યા છે. સ્પેશિયલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે AAP ઑફિસમાંથી બહાર નીકળતી વખતે અટકાવી દેવાયેલી વાનમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે તેના માલિકે તેને અહીં પોસ્ટરો પહોંચાડવાનું કહ્યું હતું. દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે એક દિવસ પહેલા પણ પોસ્ટરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
50 -50 હજાર પોસ્ટર બનાવવાનો ઓર્ડર અપાયો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, બે પ્રિન્ટિંગ પ્રેસ કંપનીઓને 50 -50 હજાર પોસ્ટર બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને કંપનીઓ સાથે સંકળાયેલા કર્મચારીઓએ રવિવારે મોડી રાતથી સોમવારે સવાર સુધી વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા હતા. પોસ્ટરો પર તેમના પ્રિન્ટિંગ પ્રેસનું નામ પ્રકાશિત ન કરવા બદલ માલિકોની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement