હિન્દુ પુરાણો તેને સ્તંભતીર્થ અર્થાત્ થાંભલીઓનું શહેર કહે છે. સમ્રાટ અશોકના સમયમાં આવેલાં ગ્રીક યોદ્ધા મેગેસ્થનિસના વર્ણનોમાં પણ આ શહેરના થાંભલીઓનો ઉલ્લેખ છે. અંગ્રેજોને સ્તંભતીર્થ ઉચ્ચાર અઘરો પડ્યો હોવાથી બ્રિટિશ શાસન દરમિયાન તે કેમ્બે તરીકે ઓળખાયું અને મુસ્લિમ શાસકોએ તેને ખંભાત નામ આપ્યું. ખંભાતનો ઈતિહાસ જેટલો પૂરાતન છે એટલો જ વેપાર-વણજ સમૃદ્ધ ગણાતો હતો. હિન્દ મહાસાગરના અખાત પર આવેલો પ્રદેશ હોવાથી સમગ્ર પશ્ચિમ ભારતને આફ્રિકાના ઝાંઝીબાર, જીબુટી સાથે દરિયાઈ વેપાર અહીંથી પસાર થતો હતો. બાદશાહ જહાંગીરના સમયથી અહીં મુસ્લિમ શાસન શરૂ થયું અને મુઘલો નબળા પડ્યા પછી ખંભાતના સૂબા સ્વતંત્ર નવાબ બની ગયા. આજે પણ ખંભાતમાં હિન્દુ, જૈન, બૌદ્ધ સ્થાપત્યોની સમાંતરે મુસ્લિમ શાસનની સાહેદી પૂરતી ઈમારતો પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. વિધાનસભામાં બેઠકક્રમાંક 108 ધરાવતું ખંભાત જનરલ કેટેગરીની બેઠક છે. જેમાં કુલ 2,30,988 મતદારો છે.
Advertisement
Advertisement
મિજાજઃ
1980માં ભાજપની સ્થાપના થઈ અને મોટાભાગની ગુજરાતી વિધાનસભા બેઠકો પર 1998ની ચૂંટણી પછી ભાજપનો પગપેસારો શરૂ થયો. પરંતુ ખંભાતે એથી ય પહેલાં 1995માં ભાજપને પોંખ્યો હતો અને ત્યારથી આ બેઠક ભાજપનો અડીખમ ગઢ ગણાતી રહી છે. 37 વર્ષથી અહીં કોંગ્રેસના ઉમેદવારને તક મળી નથી. એ જ દર્શાવે છે કે અન્ય શહેરોની સરખામણીમાં ખંભાતમાં હિન્દુત્વનો જુવાળ વધુ પ્રબળ છે. અહીં નાગરિક મુદ્દાઓને કોરાણે મૂકીને ભાવનાત્મક મુદ્દાઓને પ્રાધાન્ય આપવાનું ચલણ વધુ જોવા મળે છે. સાંપ્રદાયિક તણાવ પણ અહીં કાયમની સમસ્યા છે જે આ રાજકીય મિજાજ ઘડવામાં કારણભૂત હોવાનું મનાય છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | શિરીષ શુક્લ | ભાજપ | 2,268 |
2002 | શિરીષ શુક્લ | ભાજપ | 10,402 |
2007 | શિરીષ શુક્લ | ભાજપ | 10,077 |
2012 | સંજયકુમાર પટેલ | ભાજપ | 15,386 |
2017 | મહેશકુમાર રાવલ | ભાજપ | 2,318 |
કાસ્ટ ફેબ્રિક
ઓબીસી અને પાટીદારની સૌથી વધુ સંખ્યા ધરાવતી આ બેઠક પર મુસ્લિમો અને દલિતો પણ નોંધપાત્ર પ્રમાણમાં છે. જોકે અહીં બ્રાહ્મણોની સંખ્યા પણ 6% જેટલી છે અને રાજકીય પ્રભાવ વિશેષ હોવાથી અહીં શિરીષ શુક્લ ત્રણ ટર્મ સુધી ચૂંટાયા હતા. હાલના ધારાસભ્ય મહેશ રાવલ પણ બ્રાહ્મણ છે. અહીં મોટાભાગે જ્ઞાતિને બદલે ધર્મના આધારે મતદાન કરવાનો ટ્રેન્ડ છે, જે ભાજપને ફળે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભરૂચઃ કોંગ્રેસનું મિશન ઈમ્પોસિબલ આ વખતે ય પોસિબલ થાય તેમ નથી
સમસ્યાઓઃ
શહેરી વિકાસની સમસ્યા અહીં સૌથી વિશેષ છે. રસ્તાઓ પહોળા કરવાની કામગીરી અને નગરપાલિકાના વહીવટના રેઢિયાળપણાં સામે ખાસ્સો કચવાટ જોવા મળે છે. દરિયાનો ખારોપાટ આગળ વધતો રોકવા માટે સરકારી તંત્રની નિષ્ક્રિયતાને લીધે ખેડૂતોમાં પણ નારાજગી છે. પરંતુ દરેક ચૂંટણી વખતે સ્થાનિક સમસ્યાઓ ભૂલીને સાંપ્રદાયિક કારણોસર મતદાન કરવાનો ટ્રેન્ડ હોવાથી સમસ્યાની ચર્ચાઓ ગૌણ બની જાય છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
સ્થાનિક સ્તરે મયુર તરીકે ઓળખાતા મહેશકુમાર રાવલની આ પહેલી ટર્મ છે. નિયમિત જનસંપર્ક ધરાવતા નેતા તરીકેની છાપ છે. ખંભાતના પ્રશ્નો વિધાનસભામાં તેમણે સક્રિયતાથી ઊઠાવ્યા છે અને પક્ષના દંડક પંકજ દેસાઈ તેમજ સાંસદ મિતેષ પટેલની ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરીને તેમણે વિકાસકાર્યો કર્યાં છે. તેમની ટીકિટ નિશ્ચિત માનવામાં આવે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વાગરાઃ કોંગ્રેસના ગઢમાં હવે ભાજપનો હોંકારો સંભળાવા લાગ્યો છે
હરીફ કોણ છે?
કોંગ્રેસના નિરીક્ષકોએ લીધેલ સેન્સમાં આ બેઠક માટે 12 દાવેદારો નોંધાયા હતા પરંતુ કોંગ્રેસ હજુ ય યોગ્ય નામ અંગે સંતુષ્ટ જણાતી નથી. ભાજપનો આ ગઢ તોડવા માટે સર્વસ્વિકૃત અને બિનવિવાદાસ્પદ નામ મળવું મુશ્કેલ જણાય છે. સમાંતરે કોંગ્રેસનું શહેર, તાલુકા કક્ષાનું સંગઠન પણ નબળું હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: # બેઠકપુરાણ આંકલાવઃ કોંગ્રેસના અમિત સામે જ્યાં ભાજપના અમિત પણ ટૂંકા પડે છે
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીના યુવા નેતા મહિપતસિંહ ચૌહાણને માતર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે પરંતુ તેઓ ખંભાત બેઠક પરથી પણ ઉમેદવારી કરવાનો દાવો કરી ચૂક્યા છે. જો એ સ્વીકારવામાં આવે તો તેઓ માતર, ખંભાત એમ બંને બેઠકો પરથી ઉમેદવારી કરી શકે છે. એ સંજોગોમાં અહીં જંગ થોડોક રસાકસીભર્યો થવાની સંભાવના છે. ઓવૈસીનો પક્ષ પણ અહીં ઉમેદવાર ઉતારે એ સંજોગોમાં ચતુષ્કોણિય જંગ થાય જેમાં કોંગ્રેસનો સાવ ખો નીકળી જાય એવી શક્યતા બળકટ છે.
Advertisement