એક ઉમેદવારના નામનું પાર્ટી મેન્ડેટ જાહેર કરે. એ ઉમેદવાર આ મેન્ડેટનો આધાર દર્શાવીને ફોર્મ ભરે. થોડી જ વારમાં એ જ પાર્ટીનો બીજો મેન્ડેટ લઈને બીજો ઉમેદવાર પણ ફોર્મ ભરે. એક પક્ષ, બે ઉમેદવાર એવી ક્ષોભજનક સ્થિતિમાં છેવટે પ્રથમ ફોર્મ ભરનારનું ફોર્મ રદ થાય અને બીજા ક્રમે આવેલો ચૂંટણી લડે અને હારી જાય. ગુજરાતની રાજનીતિનો આ યાદગાર કિસ્સો 2017ની ચૂંટણીમાં જ્યાં ભજવાયો હતો એ વિધાનસભા મતવિસ્તાર એટલે બોટાદ. એક સમયે ભાવનગર જિલ્લાનો આ તાલુકો હવે પોતે જ જિલ્લો બની ચૂક્યો છે. બેઠકક્રમાંક 107 ધરાવતી જનરલ કેટેગરીની આ બેઠક અંતર્ગત બોટાદ શહેર, તાલુકો ઉપરાંત ગઢડા તાલુકાના કેટલાંક ગામો સહિત કુલ 2,90,169 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
અઢી દાયકાથી આ બેઠકને દિગ્ગજ નેતા સૌરભ પટેલે ભાજપનો ગઢ બનાવી દીધો છે. તેઓ અહીંથી પાંચ વખત પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ગુજરાતમાં ભાજપનો સૂર્યોદય થયો એ પહેલાં મોટાભાગની બેઠકોની માફક બોટાદમાં પણ કોંગ્રેસનો દબદબો હતો. જ્ઞાતિ સમીકરણોની રાજનીતિ હાવી થઈ એ પહેલાં અહીં કોઈપણ જ્ઞાતિના મજબૂત અને જનસંપર્ક ધરાવતા નેતા ચૂંટણી જીતતા રહ્યા હતા પરંતુ હવે ચિત્ર તદ્દન અલગ છે. આ બેઠક ભાજપને સમર્પિત રહેશે એવું આ વખતે કોઈ ખાતરીપૂર્વક કહી શકે તેમ નથી. એકધારી મોનોપોલી ઊભી કરનારા સૌરભ પટેલના કારણે જ હવે આ બેઠક ભાજપ માટે પડકારરૂપ બને તેવી પૂરી શક્યતા છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | સૌરભ પટેલ | ભાજપ | 8,992 |
2002 | સૌરભ પટેલ | ભાજપ | 33,430 |
2007 | સૌરભ પટેલ | ભાજપ | 3,188 |
2012 | ઠાકરશીભાઈ માનિયા | ભાજપ | 10,005 |
2017 | સૌરભ પટેલ | ભાજપ | 906 |
કાસ્ટ ફેબ્રિક
અહીંનું કાસ્ટ ફેક્ટર પ્રમાણમાં પેચીદું ગણાય છે. અહીં કોળી અને પાટીદાર સમુદાયની વસ્તી લગભગ સરખી છે. કોળી 60-65 હજાર તો પાટીદાર 50-55 હજાર જેટલાં છે. સથવારા સમાજ પણ 30-35 હજાર જેટલી વસ્તી ધરાવે છે. એ ઉપરાંત પ્રજાપતિ અને કાઠી ક્ષત્રિય સમાજ પણ નોંધપાત્ર છે. પાટીદાર કે કોળી ઉમેદવાર સામે જો અન્ય જ્ઞાતિ સમુદાયના સમીકરણો સંતુલિત કરી શકાય તો આ બેઠક પર રસાકસી થઈ શકે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
સમસ્યાઓઃ
નેવુના દાયકામાં હીરા ઉદ્યોગની તેજીના પગલે ભાવનગર પછી બોટાદ રોજગારીનું મોટું કેન્દ્ર બને એવી સંભાવનાઓ ઊભી થઈ હતી. પરંતુ સુરતના હીરા ઉદ્યોગ સાથે આ વિસ્તાર સંકળાયેલો હોવા છતાં અહીં હીરાઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાતો અમલમાં મૂકી શકાઈ નથી. પરિણામે સ્થાનિક સ્તરે ખાસ કોઈ રોજગારી નથી. એટલે ગામડાંઓ ભાંગતાં જાય છે. તમામ સરકારી દાવાઓ છતાં ખેતીમાં સિંચાઈ અને વીજળીની સમસ્યા હોવાનું સ્થાનિકો કહે છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
પાંચ વખત અહીંથી ચૂંટાયેલા સૌરભ પટેલ ઉચ્ચશિક્ષિત અને ટોચના ઉદ્યોગઘરાણા સાથેના પારીવારિક સંબંધો ધરાવતા નેતા તરીકે જાણીતા છે. નાણાં અને ઉર્જા મંત્રાલય જેવી જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. સ્થાનિક સ્તરે તેમનો લોખંડી દબદબો રહ્યો છે પરંતુ હવે તેમનાં વળતા પાણી હોવાનું ચિત્ર ઉપસે છે. અઢી દાયકાથી અહીંનું પ્રતિનિધિત્વ કર્યા પછી પણ હવે ભાજપના કાર્યકરો તેમને આયાતી ઉમેદવાર કહી રહ્યા છે અને સ્થાનિક ઉમેદવારની માંગ પ્રબળ બની છે. એટલે આ વખતે તેમનું પત્તુ કપાશે એ નિશ્ચિત મનાય છે. તેમના સ્થાને ડો. ટી.ડી.માણિયાની દાવેદારી મજબૂત છે. આ વિસ્તારની એક જાણીતી ધાર્મિક સંસ્થાના સંચાલક પણ ભાજપની ટીકિટ માટે પ્રયત્નશીલ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ અમરેલી: શું ભાજપ કોંગ્રેસના પરેશ ધાનાણીના વિજયરથને રોકવામાં સફળ થશે?
હરીફ કોણ છે?
2017માં કોંગ્રેસે આ બેઠક માટે પહેલાં મનહર પટેલને મેન્ડેટ આપ્યો અને પછી બીજો મેન્ડેટ ધીરજલાલ કળથિયાની તરફેણમાં આપ્યો. તેમાં મનહર પટેલ ગેરલાયક ઠર્યા અને ધીરજલાલ કળથિયા 906 મતે હારી ગયા. આવો શરમજનક ભગો કર્યા પછી હવે કોંગ્રેસ આ વખતે બેઠક જીતવા પૂરી તાકાત અજમાવી રહી છે. કોંગ્રેસમાંથી મનહર પટેલની દાવેદારી સૌથી મજબૂત ગણાય છે. તેમણે વિતેલાં પાંચ વર્ષ દરમિયાન ખેડૂતોની સમસ્યાને વાચા આપવાના પ્રયાસો પણ કર્યાં છે.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરો પૈકી મોટાભાગના ભાજપ, કોંગ્રેસના અસંતુષ્ટો છે, જે સમગ્ર મતવિસ્તારમાં ખાસ પ્રભાવ ધરાવતા હોવાનું જણાતું નથી. જોકે તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપે બે બેઠકો મેળવી હતી. પરંતુ એ ચૂંટણીના પરિબળોને અલગ ગણીએ તો વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ લડાય એવી શક્યતા છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ જેતપુરઃ રાદડિયાને કોંગ્રેસ નહિ, ભાજપમાં રહેલી વિરોધી છાવણી નડવાની ભીતિ
Advertisement