પ્રાચીન વટપદ્રનું અપભ્રંશ થઈને વડોદરા ભલે થયું હોય, પણ તેની એક ઓળખ સયાજીનગરી તરીકેની પણ છે. દીર્ઘદૃષ્ટા અને પ્રજાવત્સલ શાસક શું કરી શકે તેનાં ઉદાહરણ આપવાના થાય ત્યારે ભાવનગર, ગોંડલ અને વડોદરાના રાજવીઓના નામ લેવાં જ પડે. વડોદરાને વિશ્વસ્તરનું સુંદર, સંસ્કારી અને કલાપ્રેમી શહેર બનાવવાનું શ્રેય પૂર્ણતઃ મહારાજા સયાજીરાવ ગાયકવાડના ફાળે જ જાય છે. સયાજીરાવની બેનમૂન કલાદૃષ્ટિનો પરિચય એટલે સયાજીબાગ (કમાટીબાગ) અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને આ બંનેને સમાવતો સમગ્ર વિસ્તાર જે સયાજીગંજ તરીકે ઓળખાય છે. મરાઠી સંસ્કારિતા અને ગુજરાતી અસ્મિતાના સંગમસ્થાન સમાં વડોદરાનો સયાજીગંજ વિસ્તાર રહેણાંક અને વેપારી વિસ્તારનું મિશ્રણ ગણાય છે. જૂનાં અને આધુનિક વડોદરા વચ્ચેની કડી સયાજીગંજમાંથી પસાર થાય છે. સયાજીગંજ વિધાનસભા બેઠકમાં કુલ 3,20,773 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
જ્યારે ગુજરાતમાં હજુ ક્યાંય ભાજપના પૂર્વઅવતાર જનસંઘની ખાસ ઓળખ બની ન હતી ત્યારે વડોદરામાં મકરંદ દેસાઈ અને રાજકોટમાં ચીમનભાઈ શુક્લ થકી જમણેરી વિચારધારાને પગ મૂકવા જેટલો વિસામો મળ્યો હતો. મકરંદ દેસાઈ અને એમનાં જેવા ભાજપના પાયાના કાર્યકરો થકી સયાજીગંજ વિધાનસભા બેઠક પર નિવૃત્ત પોલીસ અધિકારી જસપાલસિંઘ 1985થી ચૂંટાયા અને પછી ભાજપમાં જોડાયા ત્યારથી આ બેઠક ભાજપનો કિલ્લો ગણાય છે. અહીં 1980માં કોંગ્રેસના ઉમેદવાર શિશિર પુરોહિત જીત્યા એ પછી આજ સુધી કોંગ્રેસના પ્રતીક પર કોઈને સફળતા મળી નથી.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | જસપાલસિંઘ | ભાજપ | 36,671 |
2002 | જીતુ સુખડિયા | ભાજપ | 1,25,380 |
2007 | જીતુ સુખડિયા | ભાજપ | 75,941 |
2012 | જીતુ સુખડિયા | ભાજપ | 58,237 |
2017 | જીતુ સુખડિયા | ભાજપ | 59,132 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ અકોટા (વડોદરા): કોંગ્રેસના ઉમેદવાર ભાજપને પરસેવો તો વાળી શકે છે
કાસ્ટ ફેબ્રિક
અહીં ઓબીસી સમુદાય સવિશેષ છે જેમાં અનેકવિધ જ્ઞાતિઓ હોવાથી રાજકીય ફાયદો અંકે કરી શકાય એવાં કોઈ જ્ઞાતિ સમીકરણો બનતાં નથી. આમ પણ વડોદરાનો મિજાજ અનોખો છે. આ એકમાત્ર એવું શહેર છે જ્યાં પાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણોનું મહત્વ નહિવત્ત હોય છે. મુદ્દાઓ આધારિત અપીલ અને કાયમી રાજકીય ઝુકાવના આધારે અહીં મતદાન થતું રહે છે.
સમસ્યાઓઃ
ગીચતા અને ટ્રાફિક એ આ વિસ્તારની મુખ્ય સમસ્યા છે. ગંદા પાણીના નિકાલ અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ છે. અમદાવાદ, સુરતની સરખામણીએ અહીં ટ્રાફિકનું આગોતરું આયોજન થયું નથી. સ્માર્ટસિટીના વચનોની આ વિસ્તારના બિસ્માર રસ્તાઓ હાંસી ઊડાવતાં જોવા મળે છે. પાથરણાં અને લારી-ગલ્લાના દબાણો મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકને અવરોધક બને છે અને તેમને અલગ જગ્યા ફાળવવાનું આયોજન કરી શકાતું નથી.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
સળંગ ચાર ટર્મ જીતેલાં જીતુ સુખડિયાએ નો રિપિટ થિયરી લાગુ થાય એ પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરીને માન સાચવી લીધું એ પછી આ બેઠક પર દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ભાજપે આખરે મેયર કેયુર રોકડિયા પર પસંદગી ઉતારી છે. કેયુર રોકડિયાની મેયર તરીકેની કામગીરી વિવાદાસ્પદ અને બિનઅસરકારક રહી હોવા છતાં તેઓ ભાજપના કમિટેડ વોટર્સ, મોદીના કરિશ્મા અને ભાજપના મજબૂત સંગઠનના જોર પર મુસ્તાક જણાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ માંજલપુર (વડોદરા): સોય ઝાટકીને ટીકિટ મેળવનારા યોગેશ પટેલ સરસાઈ પણ એવી મેળવી શકશે?
હરીફ કોણ છે?
કોંગ્રેસે અહીં મેયરની સામે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમી રાવતને જંગ સોંપ્યો છે. પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી ધરાવતાં અમીબહેન અને તેમના પતિ નરેન્દ્ર રાવત આ વિસ્તારના જૂના ખેલાડી છે. આક્રમક છબી ધરાવતા રાવત દંપતિ પાલિકાની નબળી કામગીરી, ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઊઠાવીને ભાજપના ઉમેદવારને સતત બચાવની સ્થિતિમાં રાખી રહ્યાં જણાય છે. પહેલી વાર અહીં ભાજપને ચેતીને ચાલવાની નોબત ઊભી થઈ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાવપુરાઃ પાયાનો સવાલ એક જ છે, રાજેન્દ્ર આ વખતે ય ભાજપના ‘રાવ’બનશે?
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટી તરફથી સ્વેજલ વ્યાસ અહીં ઉમેદવારી કરી રહ્યા છે. ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કરતાં સ્વેજલ વ્યાસ કોરોનાકાળમાં સેવાપ્રવૃત્તિઓના કારણે લાઈમલાઈટમાં આવ્યા હતા. રાશનકિટ વિતરણ, દવા-ઉકાળા સહાય અને ખાસ તો કોરોના મૃતકોની અંતિમવિધિ જેવી કામગીરીની સરાહના થયા બાદ તેઓ આમઆદમી પાર્ટી સાથે જોડાયા અને હવે સયાજીગંજ બેઠક પર ઉમેદવારી કરી રહ્યા છે. બિનઅનુભવી હોવાથી આટલાં વિશાળ વિસ્તારમાં મતદારો સુધી પહોંચવું તેમનાં માટે હાલ અઘરું જણાય છે. એકંદરે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળે છે જેમાં આ વખતે ભાજપની સ્થિતિ સાવ આસાન જણાતી નથી
Advertisement