વડોદરાનો સૌથી પહેલો ઔદ્યોગિક વિસ્તાર એટલે માંજલપુર. ગુજરાત રાજ્યની રચના પછી નવી ઉદ્યોગ નીતિ અંતર્ગત જીઆઈડીસીની સ્થાપના થઈ અને શરૂઆતની જે પ્રથમ ઔદ્યોગિક વસાહતો શરૂ કરવામાં આવી તેમાંની એક માંજલપુર જીઆઈડીસી હતી. વડોદરા-મુંબઈ ધોરી માર્ગને સમાંતર વિકસેલા આ પરાંમાં પછી ક્રમશઃ રહેણાંક વિસ્તારો વિકસતા ગયા અને આજના આધુનિક માંજલપુરનું નિર્માણ થયું. આજે અહીં નિમ્ન મધ્યમવર્ગથી માંડીને ઉચ્ચ મધ્યમવર્ગ સુધીના રહેણાંક વિસ્તારો, શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ, અત્યાધુનિક હોસ્પિટલ સહિતની સુવિધાઓ છે. અગાઉ રાવપુરા વિધાનસભા બેઠક આ વિસ્તાર આવતો હતો પરંતુ નવા સીમાંકન પછી રાવપુરા અને વડોદરા શહેરના કેટલાંક વિસ્તારો અલગ પાડીને માંજલપુર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી. આ બેઠક અંતર્ગત કુલ 2,32,669 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
માંજલપુરનો મિજાજ કેવો છે એ આ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતે જ નહિ, ભાજપના શીર્ષસ્થ નેતાઓએ પણ જોઈ લીધું. અહીં ભાજપનો દબદબો છે અને ભાજપમાં પણ યોગેશ પટેલનો દબદબો ગણાય છે. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચાર ટર્મ અને માંજલપુર બેઠકના પ્રતિનિધિ તરીકે બે ટર્મ એમ સળંગ છ ટર્મથી જીતતા યોગેશ પટેલનું માંજલપુરને અડીખમ સમર્થન રહે છે. બંને ચૂંટણીમાં તેમણે ભારે ઊંચી સરસાઈ મેળવી હતી.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | યોગેશ પટેલ | ભાજપ | 51,785 |
2017 | યોગેશ પટેલ | ભાજપ | 56,362 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાવપુરાઃ પાયાનો સવાલ એક જ છે, રાજેન્દ્ર આ વખતે ય ભાજપના ‘રાવ’બનશે?
કાસ્ટ ફેબ્રિક
અહીં પાટીદાર મતદારોનું સંખ્યાત્મક પ્રભુત્વ છે. એ ઉપરાંત મરાઠીભાષી અને દલિત મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં છે. જોકે વડોદરા શહેરની વિશિષ્ટતા એ છે કે સમગ્ર ગુજરાતમાં માત્ર વડોદરા જ એવું શહેર છે જ્યાં જ્ઞાતિવાદ બિલકુલ જોવા મળતો નથી. અહીં ઉમેદવારની ધગશ અને જનસંપર્ક એ જ સૌથી મોટી લાયકાત ગણવામાં આવે છે.
સમસ્યાઓઃ
પ્રત્યેક વર્ષે ચોમાસામાં માંજલપુરના મોટાભાગના વિસ્તારોમાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાઈ જાય એ કાયમી ફરિયાદ છે. એક તરફ હાઈવે અને બીજી તરફ રેલવે ટ્રેકની વચ્ચે આવેલાં આ વિસ્તારમાં વિશ્વામિત્રીના ત્રણ ફાંટા પસાર થાય છે. નદીમાં કચરાનો ભરાવો થતો હોવાથી વહેણ સાંકડું થઈ ગયું છે. પરિણામે ચોમાસામાં નદીના પાણી શહેરમાં ફરી વળે છે. આ ઉપરાંત પીવાલાયક પાણીનો પ્રશ્ન પણ કોર્પોરેશનમાં દરેક ઉનાળામાં ઊઠતો રહ્યો છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ડભોઈઃ ભાજપ ફરી જાયન્ટ કિલર બનશે કે જાયન્ટ મેદાનમાં જ નહિ આવે?
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
76 વર્ષિય યોગેશ પટેલ સળંગ સાતમી ટર્મ માટે આ બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે. જનતાના નેતા તરીકે તેઓ ભાજપમાં જ હોવા છતાં જરૂર પડ્યે ભાજપ સામે પણ અવાજ ઊઠાવવા સક્ષમ છે. સાદગીભર્યું વ્યક્તિત્વ અને આખાબોલો સ્વભાવ ધરાવતા યોગેશ પટેલને ઉંમરના કારણે રિપિટ ન કરવા ભાજપે મન બનાવી લીધું હતું અને તેમની જગ્યાએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના પુત્રી અનાર પટેલને આ સલામત બેઠક પરથી ઉતારવાની ચર્ચા હતી. પરંતુ જનતાના, સ્થાનિક ભાજપના અને છેવટે યોગેશ પટેલના બોલકા વિરોધ સામે ભાજપે નમતું મૂકવું પડ્યું એ જ આ વિસ્તારમાં યોગેશ પટેલની લોકપ્રિયતા સૂચવે છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસના ઉમેદવાર ડો. તશ્વિન સિંઘ બિનગુજરાતી છે. તેમની સામે સ્થાનિક સ્તરે વિરોધ પણ થયો હતો પરંતુ કોંગ્રેસે મક્કમતાપૂર્વક તેમની ઉમેદવારી જારી રાખી છે. ડો. તશ્વિન સિંઘ ડેન્ટલ સર્જન છે પરંતુ માંજલપુર વિસ્તારમાં તેમની ખાસ ઓળખ નથી. એ સંજોગોમાં કોંગ્રેસ સંગઠન પણ તેમને કેટલીક મદદ કરી શકે છે એ જોવું રહ્યું.
આ પણ વાંચો: #બેઠકપુરાણ હાલોલઃ જયદ્રથનો રથ રોકવાનો પડકાર ઝીલવો આસાન નહિ હોય
ત્રીજું પરિબળઃ
આપના ઉમેદવાર તરીકે વિનય ગુપ્તા છે જે બિનગુજરાતી છે. સ્થાનિક સ્તરે આપનું સંગઠન ખાસ અસરકારક નથી. શિક્ષણ, આરોગ્ય જેવી મફતની ઓફર અહીં ચોક્કસ ચર્ચાસ્પદ બની છે પરંતુ તેને મતપેટી સુધી લાવવાનું કામ આપના નવાં ઉમેદવાર માટે દુષ્કર બની રહેશે. એ જોતાં ભાજપના દિગ્ગજ નેતા યોગેશ પટેલ અહીં સરસાઈનો નવો વિક્રમ બનાવે તો પણ નવાઈ નહિ
Advertisement