બેઈજિંગઃ ચીનની સંસદે રાષ્ટ્રપતિ શિ જિનપિંગની સતત ત્રીજી પાંચ વર્ષીય ટર્મ માટે નિયુક્તિ પર સર્વાનુમતે મંજૂરીની મહોર મારી છે. આ સાથે તેઓ પક્ષના સ્થાપક માઓ ઝેડોંગ બાદ પાંચ વર્ષની બે ટર્મ પછી પણ પ્રમુખપદે સત્તા પર રહેનારા પ્રથમ ચીની નેતા બન્યા છે. દર પાંચ વર્ષે એક વખત યોજાતી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC)ની કોંગ્રેસમાં 69 વર્ષીય શિ જિનપિંગ ગયા ઓક્ટોબરમાં પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
Advertisement
Advertisement
CPCના નિર્ણયોને રુટિન મંજૂરી આપવા બદલ સંસદના રબર સ્ટેમ્પ તરીકે ગણાવાતી ચીનની ધારાસભા નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)એ શુક્રવારે અપેક્ષા મુજબ જ શિ જિનપિંગની પ્રમુખ તરીકેની ત્રીજી ટર્મને બહાલી આપતું મતદાન કર્યું હતું. શિ જિનપિંગ ત્રીજા કાર્યકાળ સાથે આધુનિક ચીનમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા રાષ્ટ્ર પ્રમુખ બનશે.
ઝીરો- કોવિડ નીતિ પર ઉઠ્યા સવાલ
હકીકતે ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસે રવિવારે (5 માર્ચ) એ તેની વાર્ષિક બેઠકની શરૂઆત કરી હતી. આ બેઠક એક સપ્તાહથી ચાલતી હતી. તેમાં શિ જિનપિંગને કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમની ઝીરો-કોવિડ નીતિને લઈને પણ ઘણાં સવાલો ઉઠ્યાં હતા. જોકે, તેઓ આ બધામાંથી પસાર થઈ ગયા હતા. સાસંદોએ આ બધા આરોપોને બદલે બેઇજિંગના વિજ્ઞાન મંત્રાલય અને તકનીકી ક્ષમતાઓના વ્યાપક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ચીનમાં જિનપિંગની તાકાત વધુ મજબૂત થશે
અહેવાલો અનુસાર, આ બેઠકમાં શિ જિનપિંગનો કાર્યકાળ ત્રીજી વખત લંબાવવામાં આવ્યો છે. તેના કારણે ચીનમાં તેમની તાકાત વધુ મજબૂત થશે. તેનો અર્થ એ થશે કે શિ જિનપિંગ તેમના 70ના દાયકામાં સારી રીતે શાસન કરશે અને કોઈ પડકારોનો સામનો કરવાનો નહીં આવે તો તેમનો કાર્યકાળ હજુ પણ લાંબા સમય સુધી રહેશે.
ચીનનું 224.8 અબજ ડોલરનું સંરક્ષણ બજેટ
નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠકમાં દેશના આર્થિક વિકાસ દરને પાંચ ટકા રાખવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ચીને વર્ષ 2023માં 224.8 અબજ ડોલરનું સંરક્ષણ બજેટ રાખ્યું છે. આ બજેટ ભારત કરતાં ત્રણ ગણું વધારે છે. જોકે, કોવિડ બાદ ચીનની અર્થવ્યવસ્થા ધીમી ગતિએ આગળ વધી રહી છે. વર્ષ 2022માં ચીનની અર્થવ્યવસ્થાની ગતિ ઘટીને માત્ર ત્રણ ટકા રહી ગઈ હતી.
Advertisement