નવી દિલ્હી: વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડે શુક્રવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) એક્ટને રદ કરવા પર સંસદમાં કોઈ ચર્ચા થઈ નથી અને તે ખૂબ જ ગંભીર મુદ્દો છે. ધનખડે એમ પણ કહ્યું હતું કે સંસદ દ્વારા પસાર કરાયેલ એક કાયદો જે લોકોની ઇચ્છાને પણ દર્શાવે છે, તેને સુપ્રીમ કોર્ટ દ્વારા “રદ્દ” કરી દેવામાં આવ્યો અને “વિશ્વને આવા કોઈ પણ પગલાની જાણકારી પણ નથી.” ઉપરાષ્ટ્રપતિએ બંધારણની જોગવાઈઓને ટાંકીને જણાવ્યું હતું કે જ્યારે કાયદા સાથે સંબંધિત મોટો પ્રશ્ન સામેલ હોય તો અદાલતો પણ આ મુદ્દા પર ધ્યાન આપી શકે છે.
Advertisement
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની હાજરીમાં અહીં એલએમ સિંઘવી મેમોરિયલ લેક્ચર આપતા ધનખડે રેખાંકિત કર્યું કે બંધારણની પ્રસ્તાવનામાં “અમે ભારતના લોકો” નો ઉલ્લેખ છે અને સંસદ લોકોની ઇચ્છાને દર્શાવે છે. તેમણે કહ્યું કે આનો અર્થ એ છે કે શક્તિ લોકોમાં, તેમના આદેશ અને તેમના અંતરાત્મામાં વસે છે. ધનખડે કહ્યું કે 2015-16માં સંસદે NJAC એક્ટ પસાર કર્યો હતો. તેમણે કહ્યું, “અમે ભારતના લોકો – તેમની ઇચ્છાને બંધારણીય જોગવાઈમાં ફેરવી દેવામાં આવી હતી. કાયદેસરના મંચ દ્વારા વ્યક્ત થતી પ્રજાની શક્તિ છીનવાઈ ગઈ. દુનિયા આવા કોઈ પગલાથી વાકેફ નથી.”