અમદાવાદ: ગુજરાતના સીનિયર આઇપીએસ અધિકારીઓની પોસ્ટિંગ બાબતે અંદરો અંદરની લડાઇને કારણે ગુજરાત સરકાર આઇપીએસ અધિકારીઓની બદલીઓ અંગે કોઇ નિર્ણય લઇ શકતી નથી. સુરત રેન્જના એડિશનલ ડીજી રાજકુમાર પાંડિયન છેલ્લા ચાર વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે તેમની સુરત પોલીસ કમિશનર બનવાની ઇચ્છા છે પરંતુ પોલીસ ભવનમાં બેઠેલા એક પાવરફુલ એડિશનલ ડીજી તેમણે નડી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે અમદાવાદ કે પછી વડોદરા પોલીસ કમિશનરનો ભોગ લેવાય તેમાં નવાઇની વાત નથી.
Advertisement
Advertisement
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આગામી મહિનાઓમાં યોજાવાની છે ત્યારે ચૂંટણી આચાર સંહિતાના ભાગરૂપે એક જ સ્થળે ત્રણ વર્ષ કરતા વધુ સમયે ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની બદલીઓ કરવાનો આદેશ કેન્દ્રીય ચૂંટણી પંચે આપ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બર પહેલા ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખીને જણાવ્યુ હતુ કે, ચૂંટણી સાથે સબંધિત જે અધિકારીઓ એક જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા હોય, તેવા અધિકારીઓની બદલી કરવાનો આદેશ કર્યો હતો પરંતુ ગુજરાત સરકાર હજુ સુધી સીનિયર આઇપીએસ અધિકારીઓની બદલીઓ અંગે કોઇ નિર્ણય લઇ શકતી નથી.
ગુજરાતમાં વડોદરા રેન્જ આઇજીની જગ્યા ગયા મે 2021થી ખાલી પડી છે. આ જગ્યાનો વધારાનો હવાલો ગોધરા રેન્જ આઇજી પાસે છે. બે મહિના પહેલા જૂનાગઢ રેન્જ ડીઆઇજી મનિન્દર પવાર કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર ગયા હતા તેમની જગ્યાનો વધારાનો હવાલો રાજકોટ આઇજી પાસે છે. રાજકોટ રેન્જના આઇજી સંદીપ સિંહ પણ છેલ્લા ચાર વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે, તેમની પણ બદલીનો સમય પાકી ગયો છે પરંતુ સરકાર રેન્જ આઇજીની જગ્યાઓ પણ અધિકારીઓની લડાઇને કારણે ભરી શકતી નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નડિયાદઃ ભાજપના ગઢમાં પાંચ ટર્મની દેસાઈગીરી કોંગ્રેસ આ વખતે તોડશે?
સુરત રેન્જના એડિશનલ ડીજી રાજકુમાર પાંડિયન ચાર વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે, તેમણે ગયા જાન્યુઆરી 2021માં એડિશનલ ડીજીમાં બઢતી મળી હતી. રેન્જ આઇજીની જગ્યા હોવા છતા સરકાર સાથેના ઘરોબોના કારણે સરકાર તેમની બદલી કરતી નથી. હવે ચૂંટણી સમયે તેમની બદલીનો સમય આવ્યો છે ત્યારે તેમણે સુરત પોલીસ કમિશનર બનવાની જીંદ પકડી છે પરંતુ પોલીસ ભવનમાં બેઠેલા એક પાવરફુલ એડિશનલ ડીજી વિધાનસભા ચૂંટણી પુરી થયા બાદ સુરત પોલીસ કમિશનર તરીકે આવવાના હોવાથી રાજકુમાર પાંડિયનની સુરત પોલીસ કમિશર તરીકે પોસ્ટિંગ થતુ નથી. આ ઉપરાંત વડોદરા પોલીસ કમિશનર તરીકે જેલના એડિશનલ ડીજી ડૉ. કેએલએન રાવને લાવવા માટે એક જૂથ પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ CM કાર્યાલય એસઆરપીના આઇજી પીયુષ પટેલને વડોદરા પોલીસ કમિશનર બનાવવા ઇચ્છે છે. સુરત રેન્જમાં જવા માટે ચાર આઇજી રેન્જના અધિકારીઓ વચ્ચે ગળાકાંપ હરિફાઇ છે. અમદાવાદ ક્રાઇમના જેસીપી પ્રેમવીર સિંહની જગ્યાએ છેલ્લા ઘણા વર્ષોથી સાઇડ પોસ્ટ પર રહેલા કમાન્ડો ટ્રેઇનિંગના આઇજી ગિરિશ સિઁઘલને મુકવામાં આવે તેવી પણ સંભાવનાઓ છે.
ગુજરાતના આઇપીએસ અધિકારીઓની 10 ઓક્ટોબર પહેલા બદલીઓ આવે તેવી પુરેપુરી સંભાવના છે. ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને બોર્ડર રેન્જના આઇજી જેઆર મોથલિયાને બાદ કરતા ભાવનગર, ગોધરા, અમદાવાદ, રાજકોટ અને સુરત રેન્જની બદલીઓ થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યના ચારેય શહેરોમાં જોઇન્ટ પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનરોની પણ બદલીઓ આવે તેવી સંભાવના છે.
Advertisement