દિલ્હીઃ દેશનું બજેટ રજૂ થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી બજેટ અંગે સતત વેબિનારને સંબોધન કરી રહ્યા છે. આજે દિલ્હીમાં PM મોદીએ ‘પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન’ પર યોજાયેલા વેબિનારને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ વખતનું જે બજેટ આવ્યું છે તેને અમે કેવી રીતે વહેલી તકે અમલમાં મૂકી શકીએ અને સ્ટેક હોલ્ડરોની સાથે તેને કેવી રીતે કાર્યાન્વિત કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે.
Advertisement
Advertisement
‘પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન’ પર યોજાયેલા વેબિનારને સંબોધતા PM મોદીએ ઉમેર્યું કે તેના અંગે ઘણાં સૂચનો પણ મળ્યાં છે. તમામ હિસ્સેદારોએ આ બજેટને કેવી રીતે સાર્થક બનાવી શકાય તેના વિશે ચર્ચા કરી હતી. સંસદમાં જે ચર્ચા થાય છે, સાંસદો જે ચર્ચા કરે છે તેટલા જ ઉંડા વિચારો અમને પ્રજા પાસેથી મળ્યા છે. સામાન્ય બજેટનો આ વેબિનાર ભારતના કરોડો લોકોના હુન્નર અને તેમના કૌશલ્યને સમર્પિત છે. આપણે કૌશલ્ય જેવા ક્ષેત્રોમાં જેટલાં શ્રેષ્ઠ બનીશું તેટલી આપણને સફળતા મળશે.
બજેટ વેબિનારને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે શહેરોમાં વિવિધ પ્રકારના ઘણાં કારીગરો છે. તેઓ તેમના કૌશલ્યથી ઓજારનો ઉપયોગ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. એક વિખરાયેલા સમુદાય પ્રત્યે પીએમ વિશ્વકર્મા વધુ ધ્યાન આપશે. મહાત્મા ગાંધીની ગ્રામ સ્વરાજની કલ્પના જોઈએ તો ગ્રામીણ જીવનમાં ખેતીની સાથે અન્ય વ્યવસ્થાઓ પણ તેટલી જ મહત્ત્વની છે.
Advertisement