સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનો ઘન કચરો માથાનો દુઃખાવો થઈ ગયો છે ત્યારે કચ્છના કુકમા પાસે આવેલા અવધનગર જેવા નાનકડાં ગામમાં રહીને રાજીબેન વણકરે પ્લાસ્ટીકની કોથળીમાંથી પાતળા દોરા બનાવીને હાથશાળ થકી એક સુંદર ઉત્પાદન શ્રેણી ઊભી કરી છે. સાથે સાથે પોતાની પાતળી આર્થિક પરિસ્થિતિમાં બદલાવ લાવીને તમામ મહિલા જગતમાં એ વાત સાબિત કરી નાંખી છે કે વ્યક્તિ ધારે તો વિશ્વના કોઈપણ ખૂણેથી કંઈ પણ કરી શકે છે.
Advertisement
Advertisement
આજે રાજીબેન એક બ્રાંડ તરીકે ઊભરી આવીને Rajiben Crafting a Better planet બ્રાંડ બન્યા છે.
કચ્છના ગરીબ વણકર પરિવારમાં ઉછરેલા રાજીબેનનો પરિવાર આજીવિકા મેળવવા માટે જુરા ગામે સ્થાયી થયો હતો. જ્યાં 17 વર્ષની વયે તેમના લગ્ન મૂળજીભાઈ સાથે થયા હતા. હજુ તો જીવનમાં કોઈ સ્થિરતા આવે એ પહેલા 2001ના ભૂકંપે બધું જ તહસ નહસ કરી નાંખ્યું હતું. રાજીબેન અને મૂળજીભાઈ તેમના ત્રણ બાળકો સાથે અવધનગરમાં આવ્યા અને અહીં ફરી કામ ચાલું કર્યું. મૂળજીભાઈ કડિયા કામ કરતાં અને રાજીબેન ઘરે બેઠાં બેઠાં ભરત-ગૂઁથણનું કામ કરતાં હતા. એક દિવસ અચાનક ફોન આવ્યો કે મૂળજીભાઈને અચાનક સ્ટ્રોક આવ્યો છે અને તેઓ હવે નથી રહ્યા. એક તરફ ત્રણ બાળકોની જવાબદારી અને અધવચ્ચે મૂળજીભાઈની વિદાય તેમના માટે એક આકરો ઘા સમાન હતી. કેટલાંક વર્ષો તેમણે મજૂરી કામ કરીને દિવસો કાઢ્યા. એક વણકર પરિવારમાં ઉછરેલા રાજીબેનને વણાટકામ પ્રત્યે કુદરતી લગાવ હતો. એ વખતે કેશવજી કાકાએ તેમની આ કલાને જોઈને ખમીર નામની સંસ્થા સાથે જોડ્યા. ભારતની મુલાકાતે આવેલા ફ્રેંચ ડિઝાઈનર કટેલ ગિલ્બર્ટે રાજીબેનને પ્લાસ્ટિકમાંથી દોરા કેવી રીતે બનાવવા તે શીખવ્યું. આ એક પ્રયોગ હતો પરંતુ રાજીબેનને રાઝ આવી ગયો અને પ્લાસ્ટિક વિવિંગના કારણે અનેક શક્યતાઓ ઊભી થવા લાગી. પ્લાસ્ટિકની અપસાઈક્લિંગની પ્રક્રિયાથી આજે તેમણે એક નવા કલાને જન્મ આપીને શોપિંગ બેગ, યોગા બાગે, બીચ બેગ, શૂ બેગ, ચશ્માના કવર, ટેબલ રનર, ટેબર મેટ પર્સ જેવી અનેક વસ્તુઓનું ઉત્પાદન કર્યું. પ્લાસ્ટિકમાંથી પ્લાસ્ટિકની નાની નાની પટ્ટીઓ બનાવી તેમાંથી કાપડ વણવું, એ પછી યોગ્ય ડિઝાઈન થકી બેગ બનાવવી એ એક લાંબી પ્રક્રિયા હતી. પરંતુ રાજીબેને પોતાના ઈનોવેટિવ મનથી એક સ્કિલ્ડ મહિલાઓનું ગ્રૂપ બનાવીને મહિલા વણાટકારોનું એક સુંદર ગ્રુપ બનાવ્યું છે. આ સમગ્ર સંઘર્ષ યાત્રાને પાર કરતાં રાજીબેન જણાવે છે કે “જીવનમાં કશું અશક્ય નથી. મનથી હારી જઈએ તો કશું પ્રાપ્ત ના થાય પણ નક્કી કરીએ કે આગળ વધવું છે તો ધીમે ધીમે રસ્તાઓ ખુલવા લાગે. આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ તો કંઈક વિશેષ કરીને જવું એવું હું માનું છું.”
કચ્છના પાબીબેનની જેમ જ રાજીબેનને એન્ટરપ્રિન્યોર તરીકે પ્રમોટ કરવા માટે કારીગર ક્લિનિક દ્વારા એડોપ્ટ કરવામાં આવી છે અને તેમની પ્રોડક્ટ શ્રેણીઓમાં વધુ આઈપેડ કવર, વૉલેટ, ચશ્માના કવર ઉપરાંત ટેબલ મેટ, ડાયનિંગ ટેબલ મેટ જેવી એસેસરીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિશે કારીગર ક્લિનિકના પ્રણેતા નિલેશ પ્રિયદર્શી જણાવે છે કે, “ભારતમાં અનેક હસ્તકળાઓ છે. દરેક કારીગરમાં એક સારો ડિઝાઈનર વસે છે. જ્યારે ઉત્પાદનની પ્રોસેસ શરુ થાય છે ત્યારે કારીગરની વ્યક્તિગત કળા અને આવડત ભુલાઈ જાય છે. વર્ષો જૂની પરંપરાઓ એવી રહી છે કે ગામડાંમાં અને નાના નગરોમાં કોઈ કારીગરી જે તે કારીગરના નામે ઓળખાતી. આજે એ વાત ભુલાતી જાય છે. મૂળ કારીગરને તેનો યશ અને ગૌરવપૂર્ણ પૈસા મળે તે માટેનો આખો આ પ્રયત્ન છે. ”
Advertisement