દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો વિશે મોટા સમાચાર આવ્યા છે. કુસ્તીબાજોએ જાહેરાત કરી છે કે તેઓ આજે સાંજે હરિદ્વાર જશે અને તેમના મેડલ ગંગા નદીમાં પધરાવી દેશે. આ પછી ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસનું પણ તેમણે એલાન કર્યું છે. ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. દિલ્હી પોલીસે તેમની સામે એફઆઈઆર દાખલ કરી તેના એક દિવસ બાદ કુસ્તીબાજોએ આ જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
ટ્વીટ કરીને જાહેરાત કરી
રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં ફેંકવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું, “અમે આ મેડલ ગંગામાં ફેંકવા જઈ રહ્યા છીએ, કારણ કે ગંગા માતા છે.” આપણે ગંગાને જેટલી પવિત્ર માનીએ છીએ તેટલી જ પવિત્રતાથી સખત મહેનત કરીને અમે આ મેડલ મેળવ્યા છે. કુસ્તીબાજોએ કહ્યું કે આજે સાંજે 6 વાગ્યે તેઓ હરિદ્વારમાં ગંગામાં અમારા મેડલ પધરાવી દઈશું. . અમે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસીશું.
કુસ્તીબાજોએ તેમના નિવેદનમાં કહ્યું કે 28 મેના રોજ શું થયું તે તમે સૌએ જોયું, પોલીસે અમારી સાથે કેવો વ્યવહાર કર્યો? કેટલી નિર્દયતાથી અમારી ધરપકડ કરવામાં આવી. અમે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા. અમારા વિરોધ આંદોલન સ્થળની પણ પોલીસે તોડફોડ કરી અને અમારી પાસેથી છીનવી લીધું અને બીજા દિવસે અમારી સામે એક ગંભીર કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી. શું મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી માટે ન્યાય માંગીને ગુનો કર્યો છે ? પોલીસ અને તંત્ર અમારી સાથે ગુનેગારો જેવું વર્તન કરે છે. જ્યારે આરોપી ખુલ્લેઆમ ફરે છે અને અમારી વિરુદ્ધ નિવેદનો કરી રહ્યો છે.
દિલ્હી પોલીસે કુસ્તીબાજો વિરુદ્ધ FIR નોંધી
દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરનારા કુસ્તીબાજો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જે કુસ્તીબાજો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા જાણીતા કુસ્તીબાજોનો સમાવેશ થાય છે. સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા વિરોધ પ્રદર્શનકારી કુસ્તીબાજોની અટકાયત કર્યાના કલાકો બાદ રવિવારે દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી હતી. દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતેની ઘટનાના સંબંધમાં વિરોધ પ્રદર્શનના આયોજકો અને અન્યો વિરુદ્ધ FIR નોંધી છે. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 147, 149, 186, 188, 332, 353, PDPP એક્ટની કલમ 3 હેઠળ FIR નોંધવામાં આવી છે.
Advertisement