દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે રૂ. 2,000ની નોટો જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023ની સમયમર્યાદા નક્કી કરી છે. જો તમારી પાસે હજુ પણ રૂ. 2,000ની નોટો છે, તો તેને સમયમર્યાદા પહેલા બેંકોમાં જમા કરાવો. કારણ કે સરકાર નોટો જમા કરાવવાની સમયમર્યાદા વધારવાની નથી. કેટલાક સાંસદોએ સરકારને પૂછ્યું કે શું રૂ. 2000ની નોટ જમા કરાવવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે.
Advertisement
Advertisement
શું સમયમર્યાદા લંબાવવામાં આવશે?
સમયમર્યાદા લંબાવવા અંગે સ્પષ્ટતા કરતાં નાણાં મંત્રાલયે કહ્યું કે રૂ. 2000ની નોટો જમા કરાવવા માટેની સમયમર્યાદા વધારવામાં આવશે નહીં, એટલે કે જેમની પાસે હજુ પણ રૂ. 2000ની નોટો છે તેમણે 30 સપ્ટેમ્બર પહેલા જમા કરાવવી પડશે. સંસદના ચોમાસુ સત્રમાં સુપ્રિયા સુલે સહિત કેટલાક સાંસદોએ આ અંગે પૂછ્યું હતું. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સાંસદોના પ્રશ્નોના જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે સમય મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નાણાં રાજ્ય મંત્રીએ કહ્યું કે બેંકમાં 2000 રૂપિયાની નોટો પાછી જમા કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને લોકો સરળતાથી તેમની નોટો જમા કરાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 19 મેના રોજ, ભારતીય રિઝર્વ બેંકે અચાનક 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તે પછી લોકો નોટબંધીનો દિવસ યાદ કરવા લાગ્યા હતા. વધી રહેલી અફરાતફરી વચ્ચે RBI ગવર્નર શક્તિકાંત દાસને ખુદ મીડિયા સમક્ષ આવવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય ક્લીન નોટ પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે. દેશનો કોઈપણ નાગરિક કોઈપણ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકશે અને બદલાવી શકશે. આ માટે કોઈ આઈડી પ્રૂફની જરૂર પડશે નહીં.
Advertisement