કેનેડાના જંગલોમાં લાગેલી આગને કારણે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. વિશ્વમાં હવાની સૌથી ખરાબ ગુણવત્તા સાથે ન્યૂયોર્ક ટોચના શહેરોમાં પહોંચી ગયું હતું. ન્યૂયોર્ક સિટીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે એક્યુઆઈ એક તબક્કે બુધવારે તો 350થી પણ ઉપર પહોંચી ગયો હતો. મંગળવારે રાત્રે આ આંક ૨૦૦થી વધુ હતો.
Advertisement
Advertisement
ન્યુ યોર્ક શહેરની હવા ખૂબ ખરાબ થઈ જતાં રાજ્યની અનેક સ્કૂલો બંધ કરવી પડી હતી. ન્યૂ યોર્કના મેયરે તેમજ ડોક્ટરોએ વરિષ્ઠ નાગરિકો તેમજ બાળકો અને બીમાર વ્યક્તિઓને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી હતી.
લગભગ 13 રાજ્યોમાં એર ક્વોલિટી એલર્ટ જાહેર કરાયું હતું. જોખમી વાયુ પ્રદૂષણની લગભગ 115 મિલિયન લોકોને અસર થઈ હતી. આગનો ધૂમાડો ઉત્તર પૂર્વ અને મધ્ય પશ્ચિમમાં ફેલાયો હતો જેના કારણે ડેટ્રોઈટ અને શિકાગો સહિત અનેક શહેરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ હતી.
કેનેડાના ક્યુબેકમાં આ અઠવાડિયે ૧૫૦થી વધુ જંગલોની આગ લાગી હતી. ચાલુ વર્ષે એકલા ક્યુબેકમાં ૪૦૦થી વધુ વખત જંગલોમાં આગ લાગી હતી જે દર વર્ષ કરતા બમણી સંખ્યા છે. આગને કારણે આ વર્ષે અત્યાર સુધી ૯૦ લાખ એકર જમીન બળી ગઈ છે.આગના કારણે દક્ષિણ વિસ્તારમાં હાનિકારક ધુમાડો ઉડી રહ્યો છે. છેલ્લાં એક અઠવાડિયાથી, ઉત્તરપૂર્વ અને મધ્ય-એટલાન્ટિકના ભાગો કેનેડાના જંગલોમાં લાગેલી આગના ધુમાડાથી પ્રભાવિત થયા છે. તેને લીધે આ વિસ્તારોમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે.
ન્યુ યોર્ક સિટીની હવા કોઈપણ મોટા મેટ્રોપોલિટન વિસ્તારની હવાની ગુણવત્તા કરતા વધુ ખરાબ હતી. ન્યુ યોર્ક સિટી નવી દિલ્હી પછી નોંધાયેલ વાયુ પ્રદૂષણનું બીજું સૌથી ખરાબ સ્તર ધરાવતું હતું. આ સિવાય દોહા, બગદાદ, ઈરાક અને લાહોર ખરાબ હવાની ગુણવત્તાની યાદીમાં સામેલ છે.
Advertisement