મણિપુરમાં હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. એક તરફ આજે (29 મે) ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્યની મુલાકાત લેશે, જ્યારે રવિવારે (28 મે) રાજ્યના વિવિધ ભાગોમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા.
Advertisement
Advertisement
ગયા મહિને વંશીય હિંસામાં લગભગ 80 લોકો માર્યા ગયા હતા. મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે તેમને હિંસા દરમિયાન “40 આતંકવાદીઓ” માર્યા ગયા હોવાના અહેવાલો મળ્યા છે. સીએમએ કહ્યું કે, આ આતંકવાદીઓ M-16 અને AK-47 એસોલ્ટ રાઈફલ્સ અને સ્નાઈપર ગનનો ઉપયોગ નાગરિકો સામે કરી રહ્યા હતા. તેઓ ગામડાઓમાં ઘર સળગાવવા માટે આવ્યા હતા. સેના અને અન્ય સુરક્ષા દળોની મદદથી તેમની સામે કરાયેલી કાર્યવાહીમાં લગભગ 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
કુકી-મેતૈઇ સમુદાયને શાંતિ જાળવવા મુખ્યમંત્રીની અપીલ
ગૃહમંત્રી અમિત શાહ આજે મણિપુર પહોંચવાના છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ બંને કુકી જાતિ મેતૈઈ સમુદાયને શાંતિ જાળવવા અને સ્થિતિ સામાન્ય બનાવવા માટે કામ કરવા અપીલ કરી હતી. આ અગાઉ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે શનિવારે મણિપુર ગયા હતા. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
રાજ્યના ઘણાં ભાગોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ
આદિવાસી જૂથોએ, મુખ્યત્વે કુકીઓએ, અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સમાવેશ કરવાની મેતૈઈ સમુદાયની માંગનો વિરોધ કર્યો હતો તેને લીધે મણિપુરમાં ગયા મહિને હિંસા ફાટી નીકળી હતી. તેનાથી તેમને અનામતનો લાભ અને જંગલની જમીનમાં પ્રવેશ મળ્યો હોત. હિંસાને વધતી અટકાવવા માટે રાજ્ય સરકારે ઘણાં વિસ્તારોમાં કરફ્યુ અને ઈન્ટરનેટ પ્રતિબંધ લાદી દીધો છે.
Advertisement