અમેરિકાના ફિલાડેલ્ફિયાથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. રવિવારે ત્યાં ઇન્ટરસ્ટેટ હાઈવે 95 પર ઇંધણ લઈ જતા એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી, જેના પગલે હાઇવે પરનો ફ્લાયઓવર તૂટી પડ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પુલ વચ્ચેથી તૂટીને નીચે રોડ પર પડતો જોઈ શકાય છે.
Advertisement
Advertisement
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ લઈને જઈ રહેલા ટેન્કરમાં આગ લાગવાને કારણે આ ઘટના બની હતી. આગ ઓલવવામાં ફાયર એન્જિનને એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. ઓઇલ ટેન્કરમાં મોટા પ્રમાણમાં આગ લાગવાને કારણે I-95 ની ઉત્તર બાજુને ભારે નુકસાન થયું હતું, જ્યારે I-95 ની દક્ષિણ બાજુ પણ સલામત રહી ન હતી.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ આગ કે ગરમીના કારણે રસ્તાની નીચે પણ વિસ્ફોટ થયો હતો. થોડા સમય બાદ ફ્લાયઓવરના કેટલાક ભાગો ધરાશાયી થવા લાગ્યા હતા. ઉત્તર તરફનો રસ્તો અચાનક તૂટી પડ્યો હતો, જ્યારે દક્ષિણ તરફનો લેન પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો.
ગવર્નર જોશ શાપિરોએ કહ્યું કે તેઓ હાઇવેને ફરીથી શરૂ કરવા માટે ફેડરલ ફંડ મેળવવા આ ઘટનાને ડિઝાસ્ટર પ્રોટોકોલ જાહેર કરશે. તેમણે ઉમેર્યું કે ફ્લાયઓવર તૂટી પડતાં તેનાં કાટમાળ નીચે એક વાહન ફસાઈ ગયું છે. અમે આગ અને હાઇવે તૂટી જવાથી થયેલી જાનહાનિનો પણ તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે ઘટના સમયે હાઈવે પર બીજું કોઈ વાહન આવ્યું ન હતું તે બદલ મેં ભગવાનનો આભાર માન્યો હતો.
Advertisement