રાજધાની દિલ્હી સહિત યુપી અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને આકરી ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે દિલ્હી અને તેની આસપાસના હવામાનમાં ફેરફાર થશે. તાપમાનમાં ઘટાડો થવાની સાથે હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement
Advertisement
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી કેટલાક દિવસોમાં અસહ્ય ગરમીના પ્રકોપ અને લૂથી લોકોને રાહત મળી શકે છે. બીજી તરફ દિલ્હી-NCRના લોકો આકરી ગરમીથી પરેશાન થઈ ગયા હતા. દિલ્હીના નજફગઢમાં પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો છે. નવી દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે.
26 મે સુધી વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યુપી અને દિલ્હીમાં 26 મે સુધી વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયન વિસ્તારનું હવામાન બદલાયું છે. જેનાથી ગરમીથી લોકોને થોડી રાહત મળે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં 26 મે સુધી કરા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ દરમિયાન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આજે લખનવમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લખનવમાં 24 મેથી વરસાદની શરૂઆત થઇ શકે છે. વરસાદની સાથે જ તાપમાનમાં પણ ઘટાડો નોંધાવવાની શરૂઆત થઈ જશે. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હવામાન ખરાબ રહ્યું છે. કેદારનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર, કાર્તિક સ્વામી અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.
અન્ય રાજ્યોની શું છે હાલત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ હરિયાણા, દિલ્હી, દક્ષિણ ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહાર અને બંગાળ માટે આજે હીટ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, રાજસ્થાનમાં તાપમાનમાં થોડો ઘટાડો થવાની અપેક્ષા રાખીએ છીએ પરંતુ દક્ષિણ હરિયાણા, દક્ષિણ યુપી, દિલ્હીના ભાગો, ઉત્તર, ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહાર અને દક્ષિણ બંગાળમાં લૂ ફૂકાશે.
હવામાન આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, પૂર્વ આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ કોસ્ટ ઓડિશા, ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ, કેરળ અને કર્ણાટકના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
Advertisement