પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અનુસાર તૃણમૂલ કોંગ્રેસ (TMC)પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે. બે વર્ષ પહેલાં ટીએમસીએ સતત ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)બુધવારે બંગાળમાં હિંસાગ્રસ્ત ગ્રામીણ ચૂંટણીમાં ભારે જીત તરફ આગળ વધી રહી હતી. આખી રાત ચાલેલી મત ગણતરીએ ટીએમસીને રાજ્ય ચૂંટણી પંચ (SEC) દ્વારા અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામોમાં અજેય લીડ અપાવી છે. મત ગણતરી હજુ ચાલી રહી છે. દરમિયાન, આજે વહેલી સવારે થયેલી હિંસામાં ત્રણ લોકોનું મૃત્યુ થયું હતું અને એક પોલીસ ઓફિસર ઘાયલ થયા હતા.
Advertisement
Advertisement
ટીએમસીનો 34,359 ગ્રામ પંચાયત બેઠકો પર વિજય
SEC અનુસાર, બુધવારે સવારે 8 વાગ્યા સુધી TMCએ 34,359 ગ્રામ પંચાયત બેઠકો પર વિજય મેળવ્યો છે અને 752 બેઠકો પર તે આગળ ચાલી રહી છે. જ્યારે, TMCની નજીકના હરીફ ભાજપે 9,545 બેઠકો જીતી છે અને 180 બેઠકો પર આગળ છે. રાજ્યમાં કુલ 63,229 ગ્રામ પંચાયત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. CPI(M)એ 2,885 સીટો જીતી છે અને 96 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 2,498 બેઠકો જીતી છે અને 72 સીટો પર આગળ ચાલી રહી છે.
ટીએમસીની પંચાયત સમિતિની 6,134 બેઠકો પર જીત
સત્તાધારી ટીએમસીએ 6,134 પંચાયત સમિતિની બેઠકો જીતી હતી જ્યારે તે 61 બેઠકો પર આગળ હતી. ભાજપ 939 બેઠકો જીત્યું છે અને 149 બેઠકો પર આગળ છે. જ્યારે CPI(M)નો 165 બેઠકો પર વિજય થયો છે અને 14 અન્ય બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 244 બેઠકો જીતીને સાત બેઠકો પર આગળ છે. રાજ્યમાં પંચાયત સમિતિની 9,728 બેઠકો માટે મતદાન યોજાયું હતું.
TMCએ અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં 554 જિલ્લા પરિષદમાં વિજય મેળવ્યો છે અને 201માં આગળ છે. તેનાથી વિપરીત, ભાજપ માત્ર 19 બેઠકો જીતી શકી છે અને સાત બેઠક પર આગળ છે. સીપીઆઈ(એમ) માત્ર બે સીટ જીતી શકી છે અને બે સીટ પર આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસે ચાર સીટો જીતી છે અને 10 સીટ પર આગળ છે. રાજ્યમાં કુલ 928 જિલ્લા પરિષદની બેઠકો છે.
સીએમ મમતા બેનરજીએ લોકોનો આભાર માન્યો
ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયેલાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે રાત્રે પંચાયત ચૂંટણીમાં TMCના ભવ્ય વિજય બદલ પશ્ચિમ બંગાળના લોકોનો આભાર માન્યો હતો. બેનરજીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “ટીએમસી ગ્રામીણ બંગાળમાં દરેક જગ્યાએ છે. તૃણમૂલ કોંગ્રેસ પ્રત્યેના પ્રેમ, સ્નેહ અને સમર્થન માટે હું લોકોનો આભાર માનું છું. આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે રાજ્યના લોકોના દિલમાં માત્ર TMC જ વસે છે.
Advertisement