દિલ્હી: સુપ્રીમ કોર્ટ ‘મોદી સરનેમ’ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે તે આ મામલે 21 જુલાઈએ સુનાવણી કરશે. ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર માનહાનિના કેસમાં દોષી ઠેરવવાના મામલામાં સજા પર સ્ટે માંગતી 7 જુલાઈના રોજની અરજીને ફગાવી દીધી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે ગુજરાત હાઈકોર્ટના 7 જુલાઈના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતા કહ્યું હતું કે આ આદેશ પર મનાઈ હુકમ નહીં આપવામાં આવે તો તે ‘સ્વતંત્રતા, સ્વતંત્ર અભિવ્યક્તિ, સ્વતંત્ર વિચાર અને વાણી’ને અસર કરશે.
Advertisement
Advertisement
24 માર્ચે રાહુલને સંસદના સભ્યપદેથી અયોગ્ય ઠેરવાયા હતા
23 માર્ચે, સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદી તરફથી 2019 માં દાખલ કરાયેલા કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ, રાહુલ ગાંધીને 24 માર્ચ 2023 ના રોજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી હતી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ‘મોદી અટક’ ટિપ્પણી સામે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવાની સજા પર મનાઈ ફરમાવવાનો ઇનકાર કરીને સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. રાહુલ ગાંધી ચૂંટણી લડી શકશે નહીં અથવા સંસદ સભ્ય (MP)તરીકેના તેમના પદના સસ્પેન્શનને રદબાતલ કરવાની માંગ કરી શકશે નહીં. તે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે. ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટનો દોષી ઠેરવવાનો આદેશ યોગ્ય છે, આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવે છે. કોર્ટે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સામે ઓછામાં ઓછા દસ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે.
શું છે સમગ્ર મામલો ?
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. વાયનાડના ભૂતપૂર્વ લોકસભા સભ્ય રાહુલે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં એક જાહેર સભામાં મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જોકે, ત્યાંથી પણ તેમને કોઈ રાહત મળી ન હતી.
Advertisement