દિલ્હી: ભારતીય નાણાં મંત્રાલયમાં કોન્ટ્રાક્ટના ધોરણે કામ કરતા એક કર્મચારીની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આઈબીના ઈનપુટ પર ગાઝિયાબાદ પોલીસે નવીન પાલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. નવીન પર આરોપ છે કે તેણે ભારતની ગુપ્ત માહિતી અને દસ્તાવેજો પાકિસ્તાનના કરાચીમાં કોઈકને મોકલ્યા હતા.
Advertisement
Advertisement
ધરપકડ કરાયેલ નવીન પાલની ગાઝિયાબાદ પોલીસ અને કેન્દ્રીય એજન્સી પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે સોશિયલ મીડિયા દ્વારા એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે વોટ્સએપ પર વાત કરવા લાગ્યો હતો. નવીન અનુસાર, યુવતી બરેલીની રહેવાસી છે. જ્યારે તે જે કથિત યુવતી સાથે વાત કરી રહ્યો હતો તે પાકિસ્તાનના કરાંચીમાં રહેતો એક શખ્સ હતો.
ખરેખર, યુવતીએ નવીનને પોતાનું નામ અંજલિ જણાવ્યું હતું. વોટ્સએપ વર્ચ્યુઅલ નંબર માત્ર બરેલીનો હતો, પરંતુ જ્યારે તપાસ એજન્સીઓએ તે નંબરનું આઈપી એડ્રેસ ચેક કર્યું તો તે કરાંચીનો હોવાનું બહાર આવ્યું. આ કેસમાં અલવરની એક મહિલા પણ એજન્સીના રડાર પર છે. અલવરની મહિલાએ પેટીએમમાંથી નવીનના ખાતામાં કેટલાંક પૈસા પણ ટ્રાન્સફર કર્યા છે.
પોલીસે FIR નોંધી
નોંધાયેલ FIR મુજબ, ગાઝિયાબાદના રહેવાસી નવીન પાલ નાણાં મંત્રાલયમાં કોન્ટ્રાક્ટના આધારે MTS તરીકે કામ કરતા હતા. તે સોશિયલ મીડિયા દ્વારા એક શંકાસ્પદ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. વાતચીત દરમિયાન, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પ્રતિકૂળ અસર કરતી નીતિઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરી, આ સાથે તેમણે એક ગોપનીય દસ્તાવેજ પણ શેર કર્યો, જેનાથી અન્ય દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો પર અસર પડે તેવી શક્યતા છે.
મોબાઈલથી થયો ખુલાસો
આઈબીના ઈનપુટના આધારે પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી તો પહેલા તો તે ઉડાઉ વાતો કરવા લાગ્યો, બાદમાં પોલીસે જ્યારે તેનો મોબાઈલ ફોન ચેક કર્યો તો તેણે સિક્રેટ નામથી સેવ કરેલા નંબર પર ઘણાં ગોપનીય દસ્તાવેજ મોકલ્યા હોવાનું જણાયું હતું. આ સાથે જ્યારે પોલીસે બેકઅપ લીધો તો જાણવા મળ્યું કે તેણે ભારતીય નાણાં મંત્રાલય, જી20 સમિટ સહિત ઘણાં ગોપનીય દસ્તાવેજો શેર કર્યા હતા.
Advertisement