ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કોર્ટ પરિસરમાં બુધવારે આડેધડ ફાયરિંગની એક ઘટના સામે આવી છે, જેમાં ગેંગસ્ટર સંજીવ જીવાનું મોત થયું છે. ફાયરિંગમાં એક બાળકી પણ ઘાયલ થઈ છે. લખનૌના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્તાર અંસારીના નજીકના ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ વકીલોના પહેરવેશમાં આવ્યા હતા અને કોર્ટ પરિસરમાં જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. સંજીવ જીવા ભારતીય જનતા પાર્ટીના નેતા બ્રહ્મા દત્તની હત્યાનો આરોપી છે.
Advertisement
Advertisement
પોલીસ વકીલોના વેશમાં આવેલા હત્યારાઓને પકડીને કેસરબાગ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ઘાયલ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ ઘટનામાં બે જવાન પણ ઘાયલ થયા હતા.
પત્નીએ અગાઉથી જ જીવને જોખમની આપી હતી ચેતવણી
દરમિયાન, આ ઘટના અગાઉ સંજીવ જીવાની પત્ની પાયલ મહેશ્વરીએ તેના પતિના જીવને ખતરો હોવાનું જણાવી તેની સુરક્ષાની માંગણી કરી હતી. જેને પગલે સંજીવની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કડક સુરક્ષા હોવા છતાં બદમાશોએ કોર્ટ પરિસરમાં ઘૂસીને સંજીવની હત્યા કરી નાખી હતી.
આ ઘટના લખનૌ સિવિલ કોર્ટના પરિસરમાં બની હતી. મૃતક પશ્ચિમ ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર સંજીવ જીવા મહેશ્વરી હોવાનું કહેવાય છે. ગોળી વાગવાથી સંજીવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સંજીવ જીવા પર ભાજપના નેતા બ્રહ્મ દત્ત દિવેદીની હત્યાનો આરોપ હતો. હત્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
સંજીવ જીવા સામે 3 ડઝનથી વધુ કેસ
સંજીવ જીવા પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસી હતો. તે મુખ્તાર અંસારી, મુન્ના બજરંગી અને ભાટી ગેંગ માટે કામ કરતો હતો. સંજીવ વિરુદ્ધ ત્રણ ડઝનથી વધુ કેસ નોંધાયા હોવાનું કહેવાય છે. એક સમયે સંજીવ જીવા મુખ્તારનો શૂટર હતો. કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં પણ સંજીવનું નામ સામે આવ્યું હતું. સંજીવ ઉત્તર પ્રદેશની મૈનપુરી જેલમાં સજા કાપી રહ્યો હતો.
Advertisement