ભારતીય શેરબજારોમાં તેજી દિવસેને દિવસે વધી રહી છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સતત નવી ઉંચાઈઓ પાર કરી રહ્યા છે. શેરબજારમાં લગભગ તમામ સેક્ટરના શેરોમાં આજે સોમવારે ભારે ખરીદી જોવા મળી હતી. આ ખરીદીને લીધે સેન્સેક્સ અને નિફ્ટી તેમની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. ભારતીય શેરબજારના ઈતિહાસમાં સેન્સેક્સ પ્રથમ વખત 65 હજારના આંકને પાર કરીને 486.49 પોઈન્ટના વધારા સાથે 65,205.05 પર બંધ રહ્યો હતો. તેવી જ રીતે, નિફ્ટી પણ 133.50 પોઈન્ટ વધીને 19,322.55 પર બંધ થયો હતો.
Advertisement
Advertisement
સેન્સેક્સમાં તેજીનું શું છે કારણ ?
શેરબજારને વિક્રમજનક ઊંચાઈએ લઈ જવામાં મુખ્ય ફાળો હેવીવેઈટ શેર્સ અને મેટલ સેક્ટરના શેર્સમાં રોકાણકારો દ્વારા વધી રહેલી ખરીદીનો રહ્યો છે. અગાઉ, ગયા સપ્તાહના પ્રથમ ત્રણ સત્રમાં રોકાણકારોને રૂ. 3 લાખ કરોડથી વધુનો ફાયદો થયો હતો. ચોમાસાની શરૂઆત, એચડીએફસી બેંક અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પના મર્જરની પૂર્ણતાની જાહેરાત અને જૂન ડેરિવેટિવ સિરીઝની સમાપ્તિએ બજારને આ રેકોર્ડ ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ કરી હતી. અમેરિકન સ્ટોક માર્કેટમાં તેજીથી પણ રોકાણકારોને સકારાત્મક વાતાવરણનો લાભ મળ્યો હતો. તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીના લગભગ તમામ સેક્ટર ગ્રીન માર્ક પર રહ્યા હતા.
આ રેલી ક્યાં સુધી ચાલુ રહેશે ?
સ્ટોક માર્કેટ નિષ્ણાતોના માનવા પ્રમાણે શેરબજારમાં ઉછાળાનો આ માહોલ હજુ ચાલુ રહેવાની શક્યતા છે. વર્ષના અંત સુધીમાં નિફ્ટી 21,000ની સપાટીને સ્પર્શે તેવી શક્યતા છે. તેવી જ રીતે સેન્સેક્સમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે. ત્યારબાદ, થોડાં સમય માટે પ્રોફિટ બુકિંગનો તબક્કો આવી શકે છે. તે સમય નફો બુક કરવા અને ગુણવત્તાયુક્ત શેરોમાં પુનઃ રોકાણ કરવા માટેનો સારો સમય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2021માં, સેન્સેક્સ પ્રથમ વખત 50 હજાર પોઈન્ટની ઉપર બંધ થયો હતો.જ્યારે ઓગસ્ટ 2021 માં, સેન્સેક્સ પ્રથમ વખત 55 હજાર પોઈન્ટને સ્પર્શ્યો હતો. ઓક્ટોબર 2021માં તે 60 હજાર થયો હતો. હવે તે રેકોર્ડ 65 હજાર પોઈન્ટની ઉપર પહોંચી ગયો છે.
Advertisement