વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા બાદ ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ન્યૂયોર્ક શહેરની સ્કૂલોમાં હવે દિવાળીના તહેવારની રજા આપવામાં આવી છે. અધિકારીઓએ જાહેરાત કરી કે પ્રકાશનો તહેવાર દિવાળી, હવે ન્યૂયોર્ક સિટીમાં સ્કૂલ હોલિડે તરીકે ઉજવવામાં આવશે અને તે ભારતીય સમુદાય સહિત શહેરના રહેવાસીઓ માટે એક વિજય છે.
Advertisement
Advertisement
દિવાળીની રજા માટેનું વિધેયક પસાર થયું
ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે કહ્યું કે તેમને ગર્વ છે કે રાજ્યની વિધાનસભા અને રાજ્ય સેનેટે ન્યૂ યોર્ક સિટીની પબ્લિક સ્કૂલોમાં દિવાળીની રજા જાહેર કરવા અંગેનું વિધેયક પસાર કર્યું છે. સોમવારે સિટી હોલમાંથી એક વિશેષ જાહેરાતમાં તેમણે જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે ગવર્નર આ બિલ પર હસ્તાક્ષર કરીને તેને કાયદામાં રૂપાંતરિત કરશે. એડમ્સે ઉમેર્યું કે આ માત્ર ભારતીય સમુદાયના પુરુષો અને મહિલાઓ અને દિવાળીની ઉજવણી કરતા તમામ સમુદાયોની જીત નથી, પરંતુ તે ન્યૂયોર્ક માટે પણ જીત છે. આ વર્ષથી ન્યૂયોર્ક શહેરની જાહેર શાળાઓમાં દિવાળીની રજા રહેશે.
20 વર્ષ કરતાં વધુ સમયથી થઈ રહી હતી માંગ
ન્યૂયોર્કથી એસેમ્બલી મેમ્બર બનનાર પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા જેનિફર રાજકુમારે કહ્યું કે બે દાયકા કરતાં વધુ સમયથી દક્ષિણ એશિયાઈ અને ઈન્ડો-કેરેબિયન સમુદાયે આ માટે લડત આપી છે. આજે, મેયર અને હું સમગ્ર વિશ્વની સામે ઉભા રહીને એમ કહેતાં ગર્વ અનુભવીએ છીએ કે હવેથી અને હંમેશ માટે, દિવાળીએ ન્યૂયોર્ક સિટીની સ્કૂલોમાં રજા રહેશે. રાજકુમારે ઉમેર્યું કે દિવાળીની રજાને કાયદામાં સામેલ કરવી જોઈએ. છેવટે, આપણા મહાન શહેરમાં દિવાળીએ રજા રહેશે. તેથી આજે આપણે ન્યૂયોર્ક શહેરમાં છ લાખથી વધુ ભારતીય અમેરિકનોને કહીએ છીએ કે દિવાળી માત્ર એક રજા નથી. તે અમેરિકન રજા છે, અને દક્ષિણ એશિયાઈ સમુદાય અમેરિકન ગાથાનો એક ભાગ છે.
12મી સંઘીય માન્યતા પ્રાપ્ત રજા બનશે: ગ્રેસ મેંગ
કોંગ્રેસનલ એશિયન પેસિફિક અમેરિકન કોકસના પ્રથમ ઉપાધ્યક્ષ ગ્રેસ મેંગે જણાવ્યું હતું, “અમે સ્કૂલની આ રજા માટે દબાણ કરી રહ્યા છીએ, અને અમે હવે વાસ્તવિકતાની નજીક છીએ તેનાથી વધારે ખુશી મારા માટે હોઈ શકે નહીં.” મેંગે જણાવ્યું હતું કે સ્કૂલના કેલેન્ડરમાં દિવાળીનો ઉમેરો થશે તે તમામ ન્યૂયોર્કવાસીઓ માટે સાંસ્કૃતિક વૈવિધ્ય અને સર્વસમાવેશકતાને વધુ સારી રીતે સમજવાની એક તક છે. દિવાળી ડે એક્ટ હેઠળ, દિવાળી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં 12મી સંઘીય માન્યતા પ્રાપ્ત રજા બની જશે. ગયા મહિને જ મેંગે કોંગ્રેસમાં દિવાળીને ફેડરલ રજા બનાવવા માટે એક વિધેયક રજૂ કર્યું હતું.
Advertisement