સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિધાનસભા ચૂંટણી પહેલા મફતમાં ચીજવસ્તુઓ વહેંચવાનો આરોપ લગાવતી એક PILની સુનાવણી કરી હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પાસેથી જવાબ માંગ્યા છે. કોર્ટે તેમને જવાબ રજૂ કરવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.
Advertisement
Advertisement
હકીકતે, વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યોમાં મફત ચીજવસ્તુઓ વહેંચવાનો આરોપ લગાવતી જનહિત અરજી – PIL દાખલ કરવામાં આવી હતી. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીલક્ષી લાભો સાથેની આવી મફત યોજનાઓથી લોકો પર પણ બોજ વધે છે. અરજી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા મફત વસ્તુઓનું વિતરણ કરવાના વચનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
ખંડપીઠે કડક વલણ અપનાવ્યું
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે શુક્રવારે અરજી પર સુનાવણી કરતા કડક વલણ અપનાવ્યું હતું. સુનાવણી બાદ કોર્ટે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પણ નોટિસ પાઠવી છે. આ સૌને નોટિસનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
રોકડની વહેંચણી કરતાં વધુ ક્રૂર કંઈ નથી
વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને મફત સુવિધાઓના વિતરણનો આક્ષેપ કરતી આ અરજી ભટ્ટુલાલ જૈન દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે સુનાવણી દરમિયાન કહ્યું, ‘ચૂંટણી પહેલા સરકાર દ્વારા રોકડની વહેંચણી કરતાં વધુ ક્રૂર બીજું કંઈ હોઈ શકે નહીં. આવું દરેક વખતે થતું હોય છે અને તેનો બોજ આખરે કરદાતાઓ પર જ પડે છે. ‘ અરજીની સુનાવણી કર્યા પછી, બેન્ચે ભટ્ટુલાલ જૈનની અરજીને આ મુદ્દા પર પડતર અન્ય અરજીઓ સાથે ટેગ કરવાનો આદેશ આપ્યો હતો.
Advertisement