ભારત પછી હવે રશિયાએ પણ લુનાર મિશન લુના-25 લોન્ચ કર્યું છે. રશિયાએ 47 વર્ષ બાદ પોતાનું યાન મોકલ્યું છે. ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ શુક્રવારે લોન્ચ થયેલા આ ચંદ્રયાન મિશન માટે રશિયન સ્પેસ એજન્સીને અભિનંદન પાઠવ્યા છે. ઈસરોએ ચંદ્રયાન-3 અને લુના-25 બંને મિશન તેમના લક્ષ્યો હાંસલ કરે એવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી. ઈસરોએ કહ્યું કે લુના-25ના સફળ પ્રક્ષેપણ પર રોસ્કોસ્મોસને અમારા તરફથી અભિનંદન. આપણી અતંરિક્ષ યાત્રામાં બીજી મુલાકાત થવી અદ્ભુત છે. ઈસરોએ કહ્યુ ચંદ્રયાન-3 અને લુના-25 મિશનને તેમના લક્ષ્યો હાંસલ કરવા માટે શુભેચ્છાઓ. તમને જણાવી દઈએ કે, રોસ્કોસ્મોસ એ રશિયાની અંતરિક્ષ સંસ્થા છે.
Advertisement
Advertisement
રશિયાએ 47 વર્ષ પછી પોતાનું યાન મોકલ્યું
રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસે પણ શુક્રવારે લોન્ચ થયેલા લુના-25 મિશનની પુષ્ટિ કરી છે. અગાઉ રોસ્કોસ્મોસે વર્ષ 1976માં લુના-24 લોન્ચ કર્યું હતું. રશિયાએ 47 વર્ષ બાદ પોતાનું યાન મોકલ્યું છે. લુના 25 ને મોસ્કોથી લગભગ 5500 કિમી પૂર્વમાં સ્થિત અમુર ઓબ્લાસ્ટના વોસ્તોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના ચંદ્રયાન-3 પહેલા રશિયાનું લુના-25 ચંદ્ર પર ઉતરશે.
રશિયન લેન્ડર 7-10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરશે
રશિયન મીડિયા અનુસાર, 11 ઓગસ્ટ, શુક્રવારે સવારે 4.40 વાગ્યે, લુના-25 લેન્ડરને રશિયાના વોસ્તોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લુના-25ને સોયુઝ 2.1બી રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું. તેને લુના-ગ્લોબ મિશન નામ આપવામાં આવ્યું છે. રોકેટની લંબાઈ લગભગ 46.3 મીટર છે, જ્યારે તેનો વ્યાસ 10.3 મીટર છે. રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસમોસનું કહેવું છે કે લુના-25 ચંદ્ર તરફ રવાના થઈ ગયું છે. પાંચ દિવસ સુધી તે ચંદ્ર તરફ આગળ વધશે. ત્યારબાદ 313 ટન વજનનું રોકેટ 7-10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે. આ યાન 21 અથવા 22 ઓગસ્ટે તે ચંદ્રની સપાટી પર પહોંચી જશે એવી અપેક્ષા છે. લુના-25 અને ચંદ્રયાન-3નો ચંદ્ર પર ઉતરાણનો સમય લગભગ એકસરખો રહેશે. લુના થોડાં કલાક પહેલા ચંદ્રની સપાટી પર ઉતરશે.
પાણી મળ્યું હોવાનો નાસાએ દાવો કર્યો હતો
રશિયન મીડિયા અનુસાર, રશિયાની યોજના લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચંદ્રના આ જ ધ્રુવ પર પાણી મળવાની સંભાવના છે. 2018માં નાસાએ કહ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી છે. લુના-25માં રોવર અને લેન્ડર છે. તેનું લેન્ડર લગભગ 800 કિલો વજનનું છે. લુના-25 સોફ્ટ લેન્ડિંગની પ્રેક્ટિસ કરશે. લેન્ડરમાં એક ખાસ મશીન છે, જે સપાટીની છ ઇંચ સુધીનું ખોદકામ કરશે. લુના 25 ખડકો અને માટીના નમૂના એકત્રિત કરશે. તેમાં જમા થયેલા પાણીની શોધ થઈ શકશે. ભવિષ્યમાં જ્યારે પણ મનુષ્ય ચંદ્ર પર પોતાનો બેઝ બનાવે ત્યારે તેના માટે પાણીની કોઈ સમસ્યા ન થાય તેવો રશિયાનો ઉદ્દેશ્ય છે.
Advertisement