દક્ષિણ આફ્રિકાથી રશિયાને શસ્ત્રો અને દારુગોળાની સપ્લાયનો મામલો ગરમાયો છે. અમેરિકાના આરોપ પર શુક્રવારે દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદૂતને બોલાવીને આરોપ અંગે પૂછપરછ કરી હતી.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વચ્ચે ફોન પર વાતચીત થઈ હોવાના અહેવાલ છે. અમેરિકાએ દક્ષિણ આફ્રિકા પર આરોપ લગાવ્યો છે કે તે યુક્રેન યુદ્ધમાં ઉપયોગ કરવા માટે રશિયાને શસ્ત્રો અને દારુગોળો પૂરો પાડે છે.
દક્ષિણ આફ્રિકાએ આ વાતને નકારી કાઢી છે અને ટૂંક સમયમાં આફ્રિકન વિદેશ મંત્રી નાલેદી પંડોર આ અંગે અમેરિકન એન્ટની બ્લિંકન સાથે વાત કરશે.
અગાઉ ગુરુવારે દક્ષિણ આફ્રિકામાં યુએસ એમ્બેસેડર રુબેન બ્રિગેટીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022માં દક્ષિણ આફ્રિકાએ તેના સિમોન ટાઉન નેવલ બેઝ પરથી રશિયન જહાજ પર શસ્ત્રો અને દારુગોળો લોડ કર્યો હતો. રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાએ રશિયાને આ સપ્લાય કરી હતી.
બ્રિગેટી કહ્યું કે દક્ષિણ આફ્રિકાનું આ પગલું અમેરિકાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. બ્રિગેટીના નિવેદન બાદ આફ્રિકન રાષ્ટ્રપતિ રામાફોસાએ રશિયન કાર્ગો જહાજ લેડી આરના આગમનની તપાસનો આદેશ આપ્યો છે.
Advertisement