દેશના કેટલાંક ભાગોમાં રવિવારની રાત્રે અને સોમવારે દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને તેજ પવનો માટે યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે અગાઉ આસામ માટે ‘રેડ એલર્ટ’ સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદ માટે સમાન ચેતવણી જારી કરી હતી. જ્યારે કેટલાંક રાજ્યોમાં ગંભીર હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.
Advertisement
Advertisement
દિલ્હીના લોકોને વરસાદથી રાહત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. બપોર બાદ ફરી ઘેરા વાદળો ઘેરાયા હતા અને ભારે વરસાદ પડતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ થતાં લોકોને આકરી ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. IMD એ સોમવાર (19 જૂન) માટે દિલ્હીમાં ખૂબ જ હળવા વરસાદ અને ઝરમર વરસાદની સંભાવના સાથે આકાશ મોટે ભાગે વાદળછાયું રહેવાની આગાહી કરી છે.
આસામમાં રેડ એલર્ટ
આસામના ગુવાહાટીમાં IMDના પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) એ આગામી 24 કલાકમાં આસામના નીચાણવાળા જિલ્લાઓ કોકરાઝાર, ચિરાંગ, બક્સા, બારપેટા અને બોંગાઈગાંવમાં ભારે (24 કલાકમાં 7-11 સે.મી.) થી અત્યંત ભારે (24 કલાકમાં 11-20 સે.મી.) સુધી અતિ ભારે વરસાદ (20 સે.મી.થી વધુ)ની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે.
તમિલનાડુમાં ભારે વરસાદ
ચેન્નઈ સહિત તમિલનાડુના કેટલાંક જિલ્લાઓમાં સોમવારે ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાયો હતો. ભારે વરસાદને પગલે રાજ્ય સરકારે ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને રાનીપેટ જિલ્લાઓમાં શાળાઓ માટે એક દિવસની રજા જાહેર કરી હતી. પ્રાદેશિક હવામાન કચેરીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન ચેન્નાઈ એરપોર્ટ વિસ્તારમાં શહેરમાં સૌથી વધુ 16 સેમી વરસાદ નોંધાયો હતો.
રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ
રાજસ્થાનના કેટલાંક ભાગોમાં ડિપ્રેશનમાં રૂપાંતરિત થયેલા ચક્રવાત બિપરજોયના કારણે ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ડિપ્રેશન હવે રાજસ્થાનના મધ્ય અને પશ્ચિમ ભાગોમાંથી રણના પૂર્વી ભાગો તરફ આગળ વધ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લાં 24 કલાકમાં રાજસ્થાનમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. ઘણી જગ્યાએ 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અતિ ભારે વરસાદને કારણે પાલી, જાલોર, બાડમેર અને સિરોહીમાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. ઘણાં વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને ઘણાં ગામોનો સંપર્ક તૂટી ગયો છે. નીચાણવાળા વિસ્તારોના ઘણાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે.
દરમિયાન, હવામાન વિભાગે સોમવારે ટોંક, બુંદી, સવાઈ માધોપુર જિલ્લામાં અતિ ભારે વરસાદ અને જયપુર, પાલી, ભીલવાડા, ચિત્તોડગઢમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
આ રાજ્યોમાં ગંભીર હીટવેવની આગાહી
ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા વિવિધ પ્રદેશોમાં ખૂબ ગંભીર હીટવેવની સ્થિતિની આગાહી કરી છે. ગરમી અને ગરમીનો પ્રકોપ એવો છે કે બિહાર, યુપી અને ઓડિશામાં ગરમીના કારણે અત્યાર સુધીમાં લગભગ 100 લોકોના મોત થયા છે.
Advertisement