ખેડૂતો તેમના વિવિધ પ્રશ્નોને લઈને ફરી એકવાર રસ્તા પર ઉતર્યા છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં સોમવારે ખેડૂતોએ મહાપંચાયત યોજી હતી, ત્યારબાદ ખેડૂતોએ ચંદીગઢ-દિલ્હી નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. ખેડૂતોએ કુરુક્ષેત્ર જિલ્લાના પીપલી પાસેના ફ્લાયઓવરને જામ કરી દીધો અને વાહનવ્યવહારને ખોરવી નાંખ્યો હતો. આ દરમિયાન કિસાન નેતા રાકેશ ટિકૈતે ભીડને સંબોધિત કરી અને પોતાની બે માંગણીઓ રજૂ કરી હતી.
Advertisement
Advertisement
ટિકૈતે આ બે માંગણીઓ રજૂ કરી
મળતી માહિતી મુજબ કિસાન નેતા રાકેશ ટિકૈતે પોતાની બે માંગણીઓ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા ખેડૂતોને મુક્ત કરવામાં આવે અને એમએસપી પર સૂર્યમુખીના બીજની ખરીદી શરૂ કરવામાં આવે. અમે સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છીએ. ખેડૂતો ફ્લાયઓવર પર રસ્તાની બંને બાજુ ટ્રેક્ટરો મૂકીને ધરણા પર બેઠા છે. ખેડૂતો તેમના નેતા ગુરનામ સિંહને મુક્ત કરવાની માગણી કરી રહ્યા છે.
સૂર્યમુખીના બીજ માટે લઘુત્તમ ટેકાના ભાવની માગણી સાથે કુરુક્ષેત્રમાં મહાપંચાયત યોજવા માટે ખેડૂતો શહેરના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ પ્રસંગે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમારી માંગ MSP પર ખરીદી શરૂ કરવામાં આવે તેની છે, અમે હાઇવે બ્લોક કર્યો નથી, અમે ફક્ત અહીં બેઠા છીએ. મહાપંચાયત દરમિયાન ટિકૈતે કહ્યું કે એમએસપીથી નીચે પાકની ખરીદી ન થવી જોઈએ અને કેન્દ્ર સરકારે એમએસપી ગેરંટી કાયદો પસાર કરવો જોઈએ. તેમણે એમએસપી ગેરંટી એક્ટ લાગુ કરવાની માગણીને મક્કમપણે ઉઠાવી હતી.
કિસાન નેતા રાકેશ ટિકૈતની સાથે વિવિધ ખાપના નેતાઓ પણ મહાપંચાયતમાં પહોંચ્યા હતા. ખેડૂતોની માગણીઓ સાથે જોડાયેલી આ મહાપંચાયતમાં ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ ભાગ લીધો હતો અને ધરણામાં ભાગ લઈને ખેડૂતોને સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે અમે અહીં ખેડૂતોને સમર્થન આપવા આવ્યા છીએ. અમે પણ ખેડૂત પરિવારોમાંથી આવીએ છીએ. જે ખેડૂતો રસ્તા પર ઉભા છે તેમની સાથે અમે રહીશું. ખેડૂત આંદોલન વખતે પણ અમે ખેડૂતો સાથે તેમના સમર્થનમાં ઉભા હતા.
Advertisement