દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન આવતીકાલે સવારે જોહાનિસબર્ગ જવા રવાના થશે જ્યાં તેઓ આવતીકાલે શરૂ થનારી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. આ સમિટ 24 ઓગસ્ટે સમાપ્ત થશે.
Advertisement
Advertisement
પીએમ મોદીની આ મુલાકાત સંદર્ભે એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે 15મી બ્રિક્સ સમિટ માટે ભારતનું એક બિઝનેસ ડેલિગેશન બિઝનેસ ટ્રેક મીટિંગ્સ અને બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ, બ્રિક્સ વિમેન્સ બિઝનેસ એલાયન્સ અને બ્રિક્સ બિઝનેસ ફોરમની બેઠકોમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાની યાત્રા પર છે. જોહાનિસબર્ગમાં તેમના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી ગ્રીસના વડા પ્રધાનના આમંત્રણ પર 25 ઓગસ્ટે ગ્રીસની સત્તાવાર મુલાકાતે જશે.
શિખર સંમેલનમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર 25 ઓગસ્ટે ગ્રીસ જશે. તેમની આ મુલાકાત અંગે વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે પીએમ મોદીની ગ્રીસની મુલાકાત દરમિયાન બંને પક્ષો સહકારના વેપાર અને રોકાણના ક્ષેત્રમાં વિસ્તરણ અને વૈવિધ્યકરણ લાવવા, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સહકાર, શિપબિલ્ડિંગ ઉદ્યોગને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા પર ભાર મૂકશે. આ મુલાકાતથી બંને પક્ષોને ચર્ચા કરવાની તક મળશે. પારસ્પારિક હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અને આપણા દ્વિપક્ષીય જોડાણને વિસ્તૃત અને વધુ ગાઢ બનાવવામાં મદદ કરશે.
15મી બ્રિક્સ સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠકની સંભાવના વિશે પૂછવામાં આવતાં વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે યજમાન દેશ દક્ષિણ આફ્રિકાએ બ્રિક્સ સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં મહેમાન દેશોને આમંત્રણ આપ્યું છે. દક્ષિણ આફ્રિકામાં હાજર રહેનારા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોના સંદર્ભમાં વડાપ્રધાનનો કાર્યક્રમ હજુ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
Advertisement