વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પ્રવાસે છે. પીએમ મોદીએ સાગર જિલ્લાના બીના ખાતે આવેલ બીપીસીએલના પેટ્રોકેમિકલ સંકુલમાં રૂ. 49,000 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર પેટ્રોકેમિકલ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. તે દર વર્ષે આશરે 1200 કિલો ટન ઇથિલિન અને પ્રોપિલિનનું ઉત્પાદન કરશે. કાપડ, પેકેજીંગ, ફાર્મા જેવા વિવિધ ક્ષેત્રો માટે ઇથિલીન અને પ્રોપીલીન એક મહત્વપૂર્ણ ઘટક છે. તેનાથી દેશની આયાત નિર્ભરતા ઘટશે. આ પ્રોજેક્ટ રોજગારીની તકો પણ પેદા કરશે અને પેટ્રોલિયમ ક્ષેત્રમાં આવનારા ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપશે.
Advertisement
Advertisement
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં થોડાં મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્ય પ્રદેશની જનતાને મોટી ભેટ આપીને પીએમ મોદી આગામી ચૂંટણી માટે એકબાજુ એક ચાલ ચાલ્યા તો બીજી બાજુ I.N.D.I.A. ગઠબંધન આકરા પ્રહારો કર્યા હતા.
ઘમંડી ગઠબંધન આસ્થા પર હુમલો કરે છે
પીએમ મોદીએ I.N.D.I.A.ગઠબંધનની રચનાને દેશ અને સનાતનીઓ માટે ખતરો ગણાવી છે. પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે કેટલાંક એવાં પક્ષો છે જે દેશ અને સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમના નેતા નક્કી નથી, નેતૃત્વ અંગે ભ્રમ છે. પરંતુ તેમનો એક છુપો એજન્ડા છે. ઘમંડી ગઠબંધનની નીતિ ભારતની સંસ્કૃતિ પર પ્રહાર કરવાની છે. ભારતીયોની આસ્થા પર હુમલો કરો, ઘમંડી ગઠબંધનનો ઇરાદો છે. ભારતને હજારો વર્ષોથી જોડનારા વિચારો, મૂલ્યો અને પરંપરાઓનો નાશ કરી દો.
ગાંધીના બહાને ‘ગાંધી પરિવાર’ને ઘેર્યો
પીએમ મોદીએ I.N.D.I.A.ગઠબંધનના બહાના હેઠળ, વિરોધીઓને ઘેર્યા હતા. તેમણે તેમના ભાષણમાં દેવી અહિલ્યાબાઈ હોલકરથી લઈને મહાત્મા ગાંધી સુધી દરેકનો ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું કે જે સનાતનથી પ્રેરિત થઈને દેવી અહિલ્યાબાઈએ દેશના ખૂણે ખૂણે સામાજિક કાર્યો કર્યા. મહિલાઓના ઉત્થાનનું અભિયાન ચલાવ્યું, દેશની આસ્થાનું રક્ષણ કર્યું. આ ઘમંડી ગઠબંધન તે સનાતન સંસ્કારને ખતમ કરવાનો સંકલ્પ લઈને આવ્યા છે. રાષ્ટ્રપિતાનું સ્મરણ કરતાં પીએમ મોદીએ કહ્યું કે ગાંધીજીએ જીવનભર જે સનાતનને માન્યું. આ I.N.D.I.A.ગઠબંધનના લોકો તે સનાતન પરંપરાનો અંત કરવા માંગે છે. જે સનાતનથી પ્રેરાઈને સ્વામી વિવેકાનંદે લોકોને સમાજના વિવિધ દુષણો વિશે જાગૃત કર્યા. I.N.D.I.A.ગઠબંધનના લોકો તે સનાતનને ખતમ કરવા માંગે છે.
I.N.D.I.A. ગઠબંધનને સનાતન માટે ખતરો ગણાવ્યો
પીએમ મોદીએ I.N.D.I.A. ગઠબંધનને સનાતન ધર્મ માટે ખતરો ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ગઠબંધનના લોકો તે સનાતનને ખતમ કરવા માંગે છે, જેનાથી પ્રેરાઈને લોકમાન્ય ટિળકે સ્વતંત્રતાનું બીડું ઝડપ્યું હતું. ગણેશ પૂજાને સ્વતંત્રતા ચળવળ સાથે જોડીને સાર્વજનિક ગણેશ પૂજાની પરંપરા બનાવી. આ I.N.D.I.A. ગઠબંધનનો તેનો નાશ કરવા માંગે છે.
I.N.D.I.A.ગઠબંધન સનાતનને વિખેરવા માંગે છે
પીએમ મોદીએ કહ્યું કે સનાતને ભારતને હજારો વર્ષોથી જોડી રાખ્યું છે. આ લોકો હવે સાથે મળીને તે સનાતનના ટુકડે – ટુકડા કરવા માંગે છે, આ લોકોએ ખુલ્લેઆમ બોલવાનું અને ખુલ્લેઆમ હુમલો કરવાનું શરુ કરી દીધું છે. આવતીકાલે આ લોકો આપણા પર થનારા હુમલા વધારવાના છે. દેશના ખૂણે ખૂણે દરેક સનાતનીને, આ દેશને પ્રેમ કરનારાઓને, આ દેશની માટીને પ્રેમ કરનારા લોકોને, આ દેશની જનતાને ખૂબ પ્રેમ કરનારા દરેકે સતર્ક રહેવાની જરૂર છે.
સનાતનનો નાશ કરીને ગુલામીમાં ધકેલવા માંગે છે
પીએમ મોદીએ કહ્યું કે આ લોકો સનાતનનો નાશ કરીને દેશને ફરીથી હજાર વર્ષની ગુલામીમાં ધકેલી દેવા માંગે છે, પરંતુ આપણે સાથે મળીને આવી શક્તિઓને રોકવાની છે. આપણી સંગઠનની તાકાત, એકતા દ્વારા તેમના ઈરાદાઓને નિષ્ફળ બનાવવાના છે.
Advertisement