દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે આજે બે દેશોના પ્રવાસે જવા રવાના થયા છે. મુલાકાતના પહેલા ભાગમાં તેઓ ફ્રાન્સ પહોંચશે અને ત્યાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે. PM નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચશે. પેરિસના ઓર્લી એરપોર્ટ પર તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે.
Advertisement
Advertisement
બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે
ફ્રાન્સમાં યોજાનારી બેસ્ટિલ ડે પરેડમાં પીએમ મોદીને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાતના પ્રથમ તબક્કામાં PM મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોનના આમંત્રણ પર 13 અને 14 જુલાઈએ ફ્રાન્સની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, પીએમ મોદી ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે સેનેટ પહોંચશે અને સેનેટ પ્રમુખ ગેરાર્ડ લાર્ચરને મળશે.
આજનો કાર્યક્રમ
PM નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચશે. સાંજે સેનેટ પ્રમુખને મળ્યા બાદ તેઓ લગભગ નવ વાગ્યે ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્ન સાથેની બેઠકમાં હાજરી આપશે. PM મોદી રાત્રે લગભગ 11 વાગ્યે લા સીન મ્યુઝિકલમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ પછી પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોન દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપવા માટે એલિસી પેલેસ પહોંચશે.
પીએમ મોદી આવતીકાલે બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે પીએમ મોદી ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચશે. તેમણે કહ્યું, “PM મોદીની મુલાકાતનો મુખ્ય ઔપચારિક ભાગ 14 જુલાઈથી શરૂ થશે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણી – બેસ્ટિલ ડેમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય વાયુસેનાના ત્રણ વિમાનો સાથે બેસ્ટિલ ડે પરેડમાં સશસ્ત્ર દળોની મોટી ત્રિ-સેવા ટુકડી પણ ભાગ લેશે. બેસ્ટિલ ડેની ઉજવણીના અંતે, ભારતીય વાયુસેનાનું એક વિમાન ફ્લાયપાસ્ટ કરશે.
ફ્રાન્સ બાદ PM મોદી UAE જશે
ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી 15 જુલાઈએ અબુધાબી જશે. ત્યાં તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ દરમિયાન ઉર્જા, ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
Advertisement