વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસની મુલાકાતે છે. ગઈ મોડી રાત્રે તેઓ લા સીન મ્યુઝિકલ પહોંચ્યા અને ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજનું આ દ્રશ્ય પોતાની રીતે જ અદ્ભુત છે, આ ઉત્સાહ અભૂતપૂર્વ છે, આ સ્વાગત તમને આનંદથી ભરી દેશે. અમે ભારતીયો જ્યાં પણ જઈએ છીએ, ત્યાં અમે ચોક્કસપણે મિની ભારત બનાવીએ છીએ. કેટલાંક લોકો 12 કલાકની મુસાફરી કરીને અહીં આવ્યા છે, તેનાથી વધારે પ્રેમ શું હોઈ શકે. હું અહીં આવવા માટે તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ વખતે મારું ફ્રાન્સ આવવાનું વધુ ખાસ છે. આવતીકાલે ફ્રાન્સનો નેશનલ ડે છે, હું અહીંના લોકોને તેના અભિનંદન આપું છું. પ્રધાનમંત્રી એલિઝાબેથ બોર્ન એરપોર્ટ પર મને આવકારવા આવ્યા હતા અને આવતીકાલે હું મારા મિત્ર રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોન સાથે નેશનલ ડે પરેડનો ભાગ બનીશ. આ આત્મિયતા માત્ર બે દેશોના નેતાઓ વચ્ચે નહીં, પરંતુ ભારત અને ફ્રાન્સ વચ્ચેની અતૂટ મિત્રતાનું પ્રતિબિંબ છે.
Advertisement
Advertisement
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હાલ ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. દેશના ખૂણે ખૂણે 200થી વધુ બેઠકો થઈ રહી હોય તેવું કોઈ દેશની અધ્યક્ષતામાં પહેલીવાર થઈ રહ્યું છે. સમગ્ર જી-20 જૂથ ભારતના સામર્થ્યને નિહાળી રહ્યું છે. બંને દેશોના લોકો વચ્ચેનું જોડાણ અને બંને દેશોના લોકો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ આ ભાગીદારીનો સૌથી મજબૂત આધાર છે. અહીં નમસ્તે ફ્રાન્સ ફેસ્ટિવલ થાય છે, જ્યારે ભારતમાં લોકો બોન્સુ ઇન્ડિયાનો આનંદ માણે છે.
ભારતીય સમુદાયના લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતના જુદા જુદા ખૂણામાં લગભગ 100 ભાષાઓ શીખવવામાં આવે છે. તમિલ ભાષા વિશ્વની સૌથી જૂની ભાષા છે. વિશ્વની સૌથી જૂની તમિલ ભાષા ભારતની ભાષા છે, ભારતીયોની ભાષા છે તેનાથી મોટું ગૌરવ શું હોઈ શકે. યુએનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માત્ર 10-15 વર્ષમાં જ ભારતે લગભગ 42 કરોડ દેશવાસીઓને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. આ સમગ્ર યુરોપની વસ્તી કરતાં વધુ છે, તે સમગ્ર અમેરિકાની વસ્તી કરતાં પણ વધુ છે.
ફ્રાન્સમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે રિવર્સ કાઉન્ટિંગનો પડઘો સંભળાઈ રહ્યો છે. થોડાં જ કલાકો બાદ આ ઐતિહાસિક પ્રક્ષેપણ ભારતના શ્રી હરિકોટાથી થવા જઈ રહ્યું છે. ફ્રાન્સમાં ભારતના UPIના ઉપયોગને લઈને પણ સમજૂતી થઈ છે. આગામી દિવસોમાં તેની શરૂઆત એફિલ ટાવરથી કરવામાં આવશે. હવે તમારે ભારતમાં પણ રોકાણ કરવા માટે પૂરા ઉત્સાહ સાથે આગળ આવવું પડશે. ભારત આગામી 25 વર્ષમાં વિકાસ કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. તમે જે પણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં ભારતમાં શક્યતાઓને શોધો. તમારે ભારતમાં રોકાણ કરવું જોઈએ. ફ્રાન્સમાં માસ્ટર્સ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને 5 વર્ષના લાંબા ગાળાના પોસ્ટ સ્ટડી વિઝા આપવામાં આવશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે.
Advertisement