ઉમેશ પાલ મર્ડર કેસ બાદ માફિયા ડોન અતીક અહેમદના પરિવારની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. અતીકની પત્ની શાઈસ્તા પરવીન, બહેન આયેશા નૂરી અને ઝૈનબ પહેલેથી જ ફરાર છે અને હવે પોલીસની યાદીમાં આતિકની બીજી એક બહેનનું નામ પણ જોડાઈ ગયું છે. પ્રયાગરાજની પુરમુફ્તી પોલીસે 10 લાખની ખંડણી માંગવા બદલ અતીકના બનેવી મુહમ્મદ અહેમદની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે. જ્યારે તેની બહેન અને ભત્રીજા સહિત ઘણાં આરોપીઓ ફરાર છે.
Advertisement
Advertisement
વાસ્તવમાં, કસારી-મસારી પાસે જાફરી કોલોનીમાં રહેતા સાબીર હુસૈને અતીકના બનેવી મુહમ્મદ અહેમદ, ભત્રીજો ઝકા અહેમદ, બહેન શાહિદા સહિત સાત લોકો સામે દસ લાખ રૂપિયાની ખંડણી માંગવા અને ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. તેને પગલે પોલીસે અતીકના બનેવીની ધરપકડ કરી હતી. તે અતીકના બે સગીર પુત્રોની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરવા આવ્યો હતો. તે સમયે પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
અતીકની એક બહેન દ્વારા ખંડણી માંગવાના કેસમાં અતીકની બહેન શાહિદા, ભત્રીજો ઝકા અહેમદ, વૈસ અહેમદ, રાશિદ નીલુ, મુઝમ્મિલ અને શકીલની શોધ ચાલી રહી છે. પોલીસે તેમના સંભવિત આશ્રયસ્થાનો અને સંબંધીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસે ચકિયા, હટવા, મરિયાડીહ, ઉમરી, અસરૌલી ગામ સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
ઉમેશ પાલની હત્યા બાદ અતીક અશરફની પત્ની શાઈસ્તા, ઝૈનબ અને બહેન આયેશા નૂરી પહેલેથી જ ફરાર છે. હવે આ લિસ્ટમાં અતીકની બહેન શાહિદાનું નામ પણ જોડાઈ ગયું છે. પોલીસ દ્વારા શાઈસ્તા પર 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વધારો કરવાની ભલામણ પણ કરવામાં આવી છે, પરંતુ પોલીસ હજુ પણ શાઈસ્તા સુધી પહોંચી શકી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે સમયે બંને ભાઈઓની હત્યા થઈ હતી ત્યારે પોલીસ તેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી.
Advertisement