હરિયાણાના નૂંહમાં હિંસા બાદ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. આ દરમિયાન જિલ્લા પ્રશાસને ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હરિયાણા સરકાર રમખાણોમાં સામેલ લોકોના મકાનો, દુકાનો અને હોટલો તોડી પાડવા માટે સતત પાંચમા દિવસે બુલડોઝર ચલાવી રહી છે. પરંતુ હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ કાર્યવાહી પર રોક લગાવીને ખટ્ટર સરકારને મોટો ઝટકો આપ્યો છે.
Advertisement
Advertisement
હરિયાણા સરકારને ઠપકો
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરતાં હરિયાણા સરકારને નોટિસ જારી કરીને જવાબ દાખલ કરવા કહ્યું છે. એટલું જ નહીં, હાઈકોર્ટે સરકારને ઠપકો આપતાં કહ્યું કે આ મામલે એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. શું કોઈપણ બાંધકામ તોડતાં પહેલા સરકાર દ્વારા નોટિસ આપવાની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું ?
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સુઓમોટો નોંધ લીધી
હરિયાણા સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા બુલડોઝર ઓપરેશન દ્વારા તોફાનીઓની મિલકતોને નિશાન બનાવવામાં આવી રહી છે. આ મામલાની પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પોતે નોંધ લીધી અને આ ચુકાદો આપતાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
નૂંહમાં છેલ્લાં ચાર દિવસથી કાર્યવાહી ચાલુ
કોમી હિંસા બાદ નૂંહમાં છેલ્લાં ચાર દિવસથી બુલડોઝર ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન 753થી વધુ મકાનો, દુકાનો, શોરૂમ, હોટલ અને ઝૂંપડીઓ તોડી પાડવામાં આવી છે. તેમને ગેરકાયદેસર ગણાવતા પ્રશાસને કહ્યું કે તેમાં રહેનારા લોકો 31 જુલાઈની હિંસામાં સામેલ હતા. નૂંહમાં અત્યાર સુધીમાં પ્રશાસને 37 સ્થળોએ કાર્યવાહી કરીને 57.5 એકર જમીન ખાલી કરાવી છે. તેમાંથી 162 કાયમી અને 591 હંગામી બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. નૂંહ શહેર ઉપરાંત પુના, નગીના, ફિરોઝપુર ઝિરકા અને પીંગનવા જેવાં વિસ્તારોમાં પણ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ગઈકાલે પ્રશાસને હિંસાના દિવસે જ્યાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે ત્રણ માળની સહારા હોટેલ પણ તોડી પાડી હતી. વહીવટીતંત્રનું કહેવું છે કે હોટલ માલિકને આ વાતની પહેલેથી જ જાણ હતી, પરંતુ તેણે તોફાનીઓને રોક્યા ન હતા.
Advertisement