આ વાત જરા ગળે ઉતરે તેવી નથી પરંતુ માનવસભ્યતાએ સર્જેલી આર્ટિફિશિયલ દુનિયા એકવાર પત્તાંના મહેલની જેમ ભોંય ભેગી થઈ જશે તેનું તાજું ઉદાહરણ નજર સામે જોવા મળી રહ્યું છે. અમેરિકાના સૌથી ધનાઢ્ય ગણાતા શહેર એવા ન્યૂયોર્કમાં ગગનચૂંબી ઈમારતોનો ખડકલો છે. આ હાઈરાઈઝ ઈમારતો ન્યૂયોર્કની ઓળખ અને સુંદરતાની ચાડી ખાય છે. પરંતુ તાજેતરના નવા રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, ન્યૂયોર્ક સિટી ધીમે ધીમે ડૂબી રહ્યું છે અને તેનું કારણ ગગનચૂંબી ઈમારતોને માનવામાં આવે છે આ ઈમારતો શહેરની જમીનને ધીમે ધીમે ભૂગર્ભની ગર્તમાં ધકેલી રહી છે.
નવા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ન્યૂયોર્કની ઊંચી અને લાંબી ઈમારતો નજીકના જળસ્ત્રોતોમાં ડૂબી રહી છે. આ પ્રક્રિયાને ‘સબસિડન્સ’ કહેવાય છે.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્કમા 8 લાખથી વધુ ઈમારતોનું વજન લગભગ 1.7 ટ્રિલિયન પાઉન્ડ છે. આ સંશોધન યુએસ જીઓલોજિકલ સર્વે અને રોડ આઈલેન્ડ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
સંશોધકોએ જોયું કે દર વર્ષે 1-2 મિલીમીટરના દરે ન્યૂયોર્ક ડૂબી રહ્યું છે. ઉપગ્રહોમાંથી લીધેલા ફોટોગ્રાફ્સના તુલનાત્મક અભ્યાસ બાદ વૈજ્ઞાનિકો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે.
આ અભ્યાસ અર્થ ફ્યુચર જર્નલમાં પ્રકાશિત થયો છે. સંશોધકોએ વધુમાં જણાવ્યું કે લોઅર મેનહટન જેવા કેટલાક વિસ્તારો ખૂબ જ ઝડપથી ડૂબી રહ્યા છે. જોકે બ્રુકલિન અને ક્વીન્સ બન્ને ચિંતાના વિષય છે.
યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના મુખ્ય તપાસકર્તા અને ભૂસ્તરશાસ્ત્રી ટોમ પાર્સન્સે જણાવ્યું હતું કે ન્યૂયોર્ક સિટી દર વર્ષે પૂરના જોખમના પડકારોનો સામનો કરવાનું ચાલુ રાખે છે. પૂર્વીય યુએસમાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેર એટલાન્ટિક કિનારે છે.
અહેવાલ લખનાર મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે તારણોથી પૂરના વધતા જોખમ અને વધતા દરિયાઈ સ્તરનો સામનો કરવા માટે નવી વ્યૂહરચના વિકસાવવાના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા જોઈએ. ભવિષ્યમાં ન્યૂયોર્કને કેવી રીતે બચાવી શકાય તે અંગે નવી રણનીતિ બનાવવી જોઈએ.
Advertisement