નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મંગળવારે ‘ડાર્ક વેબ’ દ્વારા સમગ્ર ભારતમાં ચલાવવામાં આવતા દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે તે LSD વેચવાનું એક મોટું નેટવર્ક હતું, જેમાં પોલેન્ડ, નેધરલેન્ડ અને અમેરિકા જેવા દેશોમાંથી તેનો સપ્લાય ભારતમાં કરવામાં આવતું હતું. તેમણે કહ્યું કે 2 કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમની પાસેથી 15,000 ટેબલેટ જપ્ત કરવામાં આવી છે, આ ઉપરાંત NCBએ શકમંદોએ આપેલી માહિતીના આધારે કરેલી કાર્યવાહીમાં 2.5 કિલો ઈમ્પોર્ટેડ ગાંજો અને રોકડા ₹4.65 લાખ પણ જપ્ત કર્યા હતા.
Advertisement
Advertisement
NCB અધિકારીઓએ જણાવ્યું કે આ નેટવર્કના લોકો સોશિયલ મીડિયા દ્વારા તેમના ગ્રાહકો સાથે જોડાતા હતા અને ઓનલાઈન પેમેન્ટ દ્વારા પૈસા લેતા હતા. તેમણે કહ્યું કે એલએસડી એક સિન્થેટિક કેમિકલ ડ્રગ છે અને તે ખૂબ જ ખતરનાક છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે દેશમાં જપ્ત કરાયેલા એલએસડીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે.
NCBએ ગયા મહિને પણ રેકોર્ડ માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યું
અગાઉ, NCBએ ગયા મહિને ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત ઓપરેશનમાં કેરળના દરિયાકાંઠે 2,500 કિલો મેથામ્ફેટામાઇન નામની નશીલી દવા જપ્ત કરી હતી. આ એક હાઈપ્રોફાઈલ ડ્રગ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે 25,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. મેથામ્ફેટામાઈનનું જપ્ત કરાયેલું કન્સાઈનમેન્ટ એક-એક કિલોગ્રામના પેકેટમાં 134 બોરીઓમાં સંતાડીને રાખવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2022 માં, NCB એ ભારતીય નૌકાદળના સહયોગથી સમુદ્ર માર્ગ દ્વારા થતી માદક પદાર્થોની દાણચોરીને રોકવા માટે ‘સમુદ્રગુપ્ત’ નામનું વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું, જે અંતર્ગત અત્યાર સુધીમાં 4,000 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
NCBએ પાકિસ્તાની દાણચોરની કરી હતી ધરપકડ
NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે ડ્રગ્સની કિંમતના સંદર્ભમાં મેથેમ્ફેટામાઇનની આ સૌથી મોટી જપ્તી હતી અને તે ઈરાનના ચાબહાર બંદરથી ભારત પહોંચ્યું હતું અને તેનો સ્ત્રોત પાકિસ્તાન હતો. તેમણે કહ્યું કે નૌકાદળ સાથેના સંયુક્ત ઓપરેશન દરમિયાન, એક દાણચોર ઝુબેર ડેરાક્ષશાંદેહની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે પાકિસ્તાની નાગરિક હતો અને તેને આ કામ માટે ખૂબ મોટી રકમ ચૂકવવામાં આવી હતી.
ડાર્ક વેબ શું છે?
ઈન્ટરનેટમાં છુપાયેલી દુનિયાને ‘ડાર્ક વેબ’ કહેવામાં આવે છે. એવું એટલા માટે કહેવાય છે કારણ કે દરેક વ્યક્તિ માટે ત્યાં પહોંચવું શક્ય હોતું નથી. ઈન્ટરનેટની આ અંધારી દુનિયાનો ઉપયોગ ડ્રગ્સ, બંદૂકો અને અન્ય ગેરકાયદેસર વસ્તુઓ ખરીદવા અને વેચવા માટે થાય છે. આ ઉપરાંત અન્ય પ્રકારની ગુનાહિત પ્રવૃતિઓ પણ ડાર્ક વેબ દ્વારા કરવામાં આવે છે અને મોટાભાગના ગુનેગારો પોલીસની નજરથી બચવા માટે તેનો ઉપયોગ કરે છે.
Advertisement