ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક હિન્દુ યુવતીના અપહરણના પ્રયાસના મામલે પોલીસે એક મુસ્લિમ યુવક સહિત બે લોકોની ધરપકડ કરી છે. તે પછી આ વિસ્તારમાં મુસ્લિમોને દુકાનો ખાલી કરવાનું જણાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ ધમકી બાદ ઘણાં મુસ્લિમ વેપારીઓ પોતાની દુકાનો ખાલી કરીને ભાગી રહ્યા છે. આ વિસ્તારની 30 જેટલી મુસ્લિમ દુકાનો ઘણાં લાંબા સમયથી બંધ છે. હિજરત કરી ગયેલા મુસ્લિમોમાં ભાજપના લઘુમતી બાબતોના નેતા પણ સામેલ હોવાના અહેવાલ છે.
Advertisement
Advertisement
આ વિસ્તાર ખાલી કરીને જે મુસ્લિમો અન્ય સ્થળોએ જતાં રહ્યા છે તેમાં ભાજપના લઘુમતી મોરચાના જિલ્લા પ્રમુખનો પણ સમાવેશ થતો હોવાના અહેવાલ છે. ભાજપ નેતા મોહમ્મદ ઝાહિદ લગભગ 25 વર્ષથી આ વિસ્તારમાં રહેતા હતા. તેમણે તેમની કાપડની દુકાનો ખાલી કરી દીધી છે. તેઓ તેમના પરિવાર સાથે ઘર ખાલી કરીને અન્ય વિસ્તારમાં જતાં રહ્યા છે. એવી જ રીતે અન્ય ઘણાં મુસ્લિમ પરિવારોએ આ વિસ્તાર છોડી દીધો હોવાના અહેવાલ છે. ભાજપના નેતા મોહમ્મદ ઝાહિદ વિશે માહિતી આપતા, એક સ્થાનિક દુકાનદારે કહ્યું કે મોહમ્મદ ઝાહિદને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા તે પહેલાં, તેઓ ભાજપના અન્ય ઘણા હોદ્દા પર રહી ચૂક્યા હતા.
આ વિસ્તારના કેટલાંક હિન્દુ સંગઠનોએ મુસ્લિમ દુકાનદારોની માલિકીની દુકાનોના શટર પર પોસ્ટર ચોંટાડ્યા હોવા અહેવાલ છે. તેમાં લવ જેહાદીઓને 15 જૂન સુધીમાં તેમની દુકાનો ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ પોસ્ટરો અંગે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જોકે 30 જેટલી મુસ્લિમોની દુકાનો લાંબા સમયથી બંધ છે.
હાલ પોલીસ સમાજના આગેવાનો સાથે બેઠકો યોજીને મામલો થાળે પાડવાની કોશિશ કરી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પણ શાંતિ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે મુસ્લિમોને સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી છે અને તેઓ તેમની દુકાનો ખોલી શકશે. પરંતુ મુસ્લિમોના મનમાં એવો ડર બેસી ગયો છે કે તેને લીધે તેઓ સતત હિજરત કરી રહ્યા છે.
Advertisement