કાળઝાળ ગરમી પછી સ્વાભાવિક રીતે પહેલા વરસાદની રાહ જોવાતી હોય છે. ગરમીનો પારો એક પછી એક નવા શિખરો સર કરી રહ્યો છે ત્યારે પશ્ચિમ ચોમાસું આ વર્ષે ચાર દિવસના વિલંબ સાથે કેરળ પહોંચવાની સંભાવના છે.
Advertisement
Advertisement
ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસું 5 જૂન સુધીમાં કેરલથી એન્ટ્રી મારશે અને ત્યારબાદ તે ઉત્તર તરફ ગતિ કરશે. એ રીતે જોવા જઈએ તો 15મી જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ પડે તેવી વકી છે.
ગઈ સાલ ચોમાસું 29 મેના રોજ કેરળમાં પ્રવેશ્યું હતું અને જ્યારે આ સાલ પહેલી જૂનથી અરબ સાગરના વાતાવરણમાં ચોમાસાનો માહોલ બનશે.
આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે ગયા મહિને આગાહી કરી હતી કે આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે અને દેશમાં અનાજનું ઉત્પાદન પણ સામાન્ય રહેશે, જેના કારણે મોંઘવારીમાંથી રાહત મળી શકે છે.
ખેડૂતો સામાન્ય રીતે 1 જૂનથી ઉનાળુ પાકની વાવણી શરૂ કરતા હોય છે. જેથી થોડા દિવસ પછી પડનારા વરસાદનો સીધો લાભ લઈ શકાય.
સામાન્ય રીતે IMDએ કહ્યું હતું કે વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA)ના 96% થવાની સંભાવના છે. જો વરસાદ 90-95%ની વચ્ચે હોય તો એ સામાન્ય કરતાં ઓછું હોવાનું કહેવાય છે. જો 96%-104% હોય તો એને સામાન્ય વરસાદ કહેવામાં આવે છે.
જો LPA 104% અને 110%ની વચ્ચે હોય તો એને વધુ વરસાદ કહેવામાં આવે છે. 110%થી વધુ વરસાદને વધુ વરસાદ કહેવાય છે અને 90%થી ઓછા વરસાદને દુષ્કાળ કહેવામાં આવે છે. આ વર્ષે સામાન્ય વરસાદ થવાની વકી છે.
Advertisement