ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ એક ઈન્ટરવ્યુમાં કેન્દ્રની મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ડોર્સીના જણાવ્યા અનુસાર, કિસાન આંદોલન દરમિયાન, ભારત સરકારે ટ્વિટર પર તેની ટીકા કરનાર લોકોના એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે દબાણ કર્યું હતું. આ ઉપરાંત, કિસાન આંદોલનને આવરી લેતા એકાઉન્ટ્સ બ્લોક કરી દેવા પણ કહેવામાં આવ્યું હતું. તેમના આ આક્ષેપ બાદ વિપક્ષ મોદી સરકાર પર આક્રમક બન્યો છે.
Advertisement
Advertisement
ભારત સરકારે દબાણ કર્યું હતું: જેક ડોર્સી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ મોટો આરોપ લગાવ્યો છે કે ભારતમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણાં મહત્વપૂર્ણ ટ્વિટર એકાઉન્ટસને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. ડોર્સીએ દાવો કર્યો હતો કે તેમના પર ભારત સરકારનું દબાણ હતું અને તેમણે ભારતમાં ટ્વિટર બંધ કરાવી દેવાની ધમકી પણ આપી હતી. ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે.
જેક ડોર્સીએ લગાવ્યો મોટો આરોપ
YouTube ચેનલે ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સીનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ દરમિયાન તેમને ઘણાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી એક સવાલ એ હતો કે શું ક્યારેય કોઈ સરકારે તેમના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો ? તેના જવાબમાં ડોર્સીએ કહ્યું કે આવું ઘણી વખત બન્યું છે અને ડોર્સીએ ભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાંની સરકારે તેના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની ધમકી આપી હતી. આ ઉપરાંત નિયમોનું પાલન ન કરવા બદલ ઓફિસ બંધ કરાવવાની પણ ધમકી આપી હતી. ડોર્સીએ કહ્યું કે આ બધું ભારત જેવા લોકશાહી દેશમાં થયું છે.
જેક ડોર્સીએ ભારતની સરખામણી તુર્કીયે સાથે કરી હતી અને કહ્યું હતું કે તુર્કીયેમાં પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે તુર્કીયેની સરકારે તુર્કીયેમાં ટ્વિટર બંધ કરવાની ધમકી પણ આપી હતી, તેમને ઘણી વખત કોર્ટ કેસનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ જીતી ગયો હતો.
સરકારે જેક ડોર્સીના આરોપોને ખોટા ગણાવ્યા
જો કે સરકારે જેક ડોર્સીના આરોપોને ખોટા ગણાવ્યા છે. સરકારે હવે જેક ડોર્સીના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. ભારતના આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કરીને જેક ડોર્સીના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે જેક ડોર્સી પર ભારત પ્રત્યે પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ વર્તન કરવાનો પણ આરોપ મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે ડોર્સીના કાર્યકાળ દરમિયાન ટ્વીટર સતત ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરતું હતું.
Advertisement