મણિપુરમાં કથળતી પરિસ્થિતિ હજુ પણ કાબૂમાં આવી રહી નથી. દરમિયાન, ગુરુવારે રાત્રે ટોળાએ ફરી એક વખત કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજનના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. ટોળાએ ઘરને આગ ચાંપી દીધી હતી, જેના કારણે તેને ભારે નુક્સાન થયું હતું. કેન્દ્રીય મંત્રીનું આ નિવાસસ્થાન ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના કોંગબા નંદીબામ લેકાઈ વિસ્તારમાં આવેલું છે. આ ઘટનાના એક દિવસ પહેલા ઇમ્ફાલમાં મણિપુર સરકારના મંત્રી નેમચા કિપગેનના ઘરને પણ આગ લગાડવામાં આવી હતી.
Advertisement
Advertisement
વિદેશ મંત્રી રાજકુમાર રંજને કહ્યું કે તેઓ હાલ સત્તાવાર કામ માટે કેરળમાં છે. ગઈકાલે રાત્રે થયેલા અકસ્માતમાં સદનસીબે કોઈએ જાન ગુમાવ્યો ન હતો, તોફાનીઓ પેટ્રોલ બોમ્બ લઈને આવ્યા હતા. તેમણે ઉમેર્યું, “મારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળને નુકસાન થયું છે. મારા ગૃહ રાજ્યમાં જે થઈ રહ્યું છે તે જોઈને ખૂબ જ દુઃખ થાય છે. હું હજુ પણ શાંતિ માટે અપીલ કરવાનું ચાલુ રાખીશ. આ પ્રકારની હિંસામાં સામેલ લોકો એકદમ અમાનવીય છે.”
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે અચાનક ભીડ એકઠી થઈ ગઈ અને મંત્રી રંજન સિંહના નિવાસસ્થાને હુમલો કર્યો હતો. તે બાદ તેમના નિવાસસ્થાનને આગ લગાડવામાં આવી હતી, ગેટ પર ફરજ બજાવી રહેલા હાઉસગાર્ડ પણ ભીડને રોકી શક્યા ન હતા. ઘટના સમયે મંત્રી કે તેમનો પરિવાર ઘરે હાજર ન હતો.
ઘટના સમયે મંત્રીના નિવાસસ્થાને સુરક્ષા એસ્કોર્ટ કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ અને એડિશનલ ગાર્ડ ફરજ પર હતા. મંત્રીના નિવાસસ્થાને હાજર એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું કે હુમલા દરમિયાન ટોળાએ ચારે બાજુથી પેટ્રોલ બોમ્બ ફેંકયા હતા, ભીડ ખૂબ હોવાથી તેને કાબૂ મેળવી શકાયો ન હતો. આ અગાઉ 25 મેના રોજ ટોળાએ કેન્દ્રીય મંત્રી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ, સુરક્ષા દળોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
આ અગાઉ બુધવારે મણિપુરના પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના ખામેનલોક વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં નવ લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ આ હિંસામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ઉગ્રવાદીઓ દ્વારા અચાનક કરાયેલા ગોળીબારમાં 9 લોકોના મોત થયા હતા અને લગભગ 10 લોકો ઘાયલ થયા હતા. ઉગ્રવાદીઓએ ખામેનલોક ગામમાં ઘણાં ઘરોને પણ આગ લગાવી દીધી હોવાનું કહેવાય છે. મણિપુરમાં હિંસામાં અત્યાર સુધીમાં 115 લોકોના મોત થયા છે, જ્યારે 40 હજાર લોકો વિસ્થાપિત થયા છે. હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસની સાથે સેના અને આસામ રાઈફલ્સના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
Advertisement