મણિપુરમાં છેલ્લાં બે મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલી હિંસાનો અંત આવતો નથી. મૈતેઈ અને કૂકી સમુદાયો વચ્ચે અથડામણો ચાલતી જ રહે છે. તે દરમિયાન બે મહિલાઓનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુજબ આ મહિલાએને નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવવામાં આવી રહી છે. વીડિયો મુજબ લોકોના ટોળાએ તેમને નગ્ન કરી પરેડ કરાવવાની સાથે જ તેમના પર સામૂહિક દુષ્કર્મ પણ આચર્યું હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુષ્કર્મ અને મારઝૂડ બાદ મહિલાઓ બોલી પણ શકતી નથી. આ નિદનીય કૃત્યનો વીડિયો વાઈરલ થયા બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે.
Advertisement
Advertisement
ITLFએ નિવેદન આપ્યું
આ અમાનવીય કૃત્યનો વીડિયો વાઈરલ થયા બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. આદિવાસી સંગઠન ઈન્ડિજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ)ના જણાવ્યા પ્રમાણે, ઈમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ આ ઘટના બની હતી. તેના એક દિવસ અગાઉ બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ITLFએ ઉમેર્યું કે વાઇરલ વિડિયોમાં બે આદિવાસી મહિલાઓને એક સમુદાયના ટોળા દ્વારા એક મેદાનમાં નગ્ન પરેડ કરાવવામાં આવતી જોવા મળી રહી છે. વીડિયોમાં કેટલાંક લોકો આ મહિલાઓની સતત છેડતી કરતા જોવા મળ્યા હતા. મહિલાઓ રડતી અને ત્યાંથી તેમને જવા દેવા માટે વિનંતી કરતી વીડિયોમાં દેખાઈ રહી છે.
સીએમનો કડક કાર્યવાહીનો આદેશ
અહેવાલો અનુસાર, મણિપુર પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. આ ઘટના 4 મેના રોજ બની હોવાની વાતનું પોલીસે સમર્થન કર્યું છે. પીડિત મહિલાઓ ઘટનાના બે અઠવાડિયા પછી પોલીસ સ્ટેશન આવી હતી અને ફરિયાદ નોંધાવી હતી. મણિપુરના સીએમ બિરેન સિંહે આ મામલે ઝડપી તપાસના આદેશ આપ્યા છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે લગભગ 1.30 વાગ્યે મુખ્ય ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. અમે વીડિયો જોયો અને મને ખૂબ જ ખરાબ લાગ્યું, આ માનવતા વિરુદ્ધ ગુનો છે. મેં તરત જ પોલીસને ગુનેગારોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો અને રાજ્ય સરકાર આરોપીઓને મૃત્યુદંડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.
Advertisement