મણિપુર સરકારે 4 સપ્ટેમ્બરે એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા (EGI) ના સભ્યો વિરુદ્ધ FIR દાખલ કરી હતી. હવે એડિટર્સ ગિલ્ડે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. ગિલ્ડે તેના સભ્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRને રદ કરવાની માંગ કરી છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટ આજે જ આ કેસની સુનાવણી કરવા સંમત થઈ છે.
Advertisement
Advertisement
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે એડિટર્સ ગિલ્ડના સભ્યો પર રાજ્યમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવતા એફઆઈઆર દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં એડિટર્સ ગિલ્ડે મણિપુર સરકાર પર પક્ષપાતપૂર્ણ કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો.
CMએ કહ્યું- નક્કર વાસ્તવિકતા જુઓ
મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું હતું કે મેં એડિટર્સ ગિલ્ડના સભ્યોને ચેતવણી પણ આપી છે કે જો તેઓ કંઇક કરવા માંગતા હોય તો પહેલા તેઓ હિંસાગ્રસ્ત સ્થળોની મુલાકાત લે અને નક્કર વાસ્તવિકતા જુએ. તમામ સમુદાયોના પ્રતિનિધિઓ સાથે મળે અને તે પછી જ કોઈ રિપોર્ટ તૈયાર કરે. માત્ર કેટલાંક વર્ગના લોકોને મળીને કોઈ પરિણામ પર પહોંચવું એ નિંદનીય છે. રાજ્યમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહેલા એડિટર્સ ગિલ્ડના સભ્યો વિરુદ્ધ રાજ્ય સરકારે કેસ દાખલ કર્યો છે.
PCIએ એફઆઈઆર પાછી ખેંચવાની માંગ કરી હતી
પ્રેસ ક્લબ ઑફ ઈન્ડિયા (PCI) એ સોમવારે એડિટર ગિલ્ડ ઑફ ઈન્ડિયાની ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીના ત્રણ સભ્યો અને તેના વડા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની ટીકા કરી હતી. પીસીઆઈએ કહ્યું હતું કે આ રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પગલાં લેવાને બદલે સંદેશવાહકને ગોળી મારવાનો મામલો છે. પીસીઆઈએ કહ્યું હતું કે એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા (EGI)ના પ્રમુખ સીમા મુસ્તફા અને ત્રણ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર તાત્કાલિક પાછી ખેંચી લેવાવી જોઈએ.
શું છે વિવાદ ?
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એડિટર્સ ગિલ્ડે દાવો કર્યો હતો કે મણિપુરમાં વંશીય હિંસા પર એકતરફી મીડિયા રિપોર્ટિંગ થયું છે. તેમણે મુખ્યમંત્રી પર પક્ષપાત કરવાનો પણ આરોપ લગાવ્યો. એડિટર્સ ગિલ્ડના જે સભ્યો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે તેમાં એડિટર્સ ગિલ્ડના પ્રમુખ સીમા મુસ્તફા અને ત્રણ સભ્યો સીમા ગુહા, ભારત ભૂષણ અને સંજય કપૂરના નામ સામેલ છે. સીમા ગુહા, ભારત ભૂષણ અને સંજય કપૂરે ગયા અઠવાડિયે મણિપુરની મુલાકાત લીધી હતી અને અહીં થયેલા મીડિયા રિપોર્ટિંગનો અભ્યાસ કર્યો હતો.
મણિપુર સરકારે એડિટર્સ ગિલ્ડના સભ્યોના અહેવાલને નકલી અને પ્રાયોજિત ગણાવ્યો છે. FIRમાં જણાવાયું છે કે રિપોર્ટમાં ખોટા તથ્યો દર્શાવવામાં આવ્યા છે. જુલાઈમાં પણ મણિપુર સરકારે ત્રણ મહિલાઓ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. આ મહિલાઓની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમે પણ રાજ્યમાં ચાલી રહેલી હિંસાને સરકાર દ્વારા પ્રાયોજિત ગણાવી હતી.
Advertisement