મણિપુરમાં હિંસાની તાજી ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મણિપુરના ઉખરુલ જિલ્લામાં શંકાસ્પદ મૈતેઈ આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ ગ્રામજનો માર્યા ગયા છે. મીડિયા અહેવાલો અનુસાર, ઉખરુલ જિલ્લાના થોવાઈ કુકી ગામમાં સુરક્ષા દળો અને શંકાસ્પદ મૈતેઈ આતંકીઓ વચ્ચે થયેલા ભારે ગોળીબારમાં આ ત્રણ ગ્રામજનો માર્યા ગયા હતા.
Advertisement
Advertisement
શંકાસ્પદ મૈતેઈ આતંકીઓએ ગામની નજીક આવેલી ડ્યુટી પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ પોસ્ટ પર ગામની સુરક્ષા માટે સ્વયંસેવકો ફરજ બજાવી રહ્યા હતા. અથડામણમાં માર્યા ગયેલા લોકોની ઓળખ જામખોગિન હાઓકીપ (26), થંગખોકાઈ હાઓકીપ (35) અને હોલેન્સન બાઈટ (24) તરીકે થઈ છે. આ ત્રણ લોકો ગોળીબાર બાદ લાપતા હતા. ફાયરિંગ બંધ થયા બાદ આ ત્રણેયની શોધખોળ કરવામાં આવી હતી અને ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા.
સીતારામ યેચુરી સહિત CPIM ના ચાર નેતા મણિપુર જવા રવાના
દરમિયાન, CPI(M)(કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)) ના નેતાઓની એક ટીમ મણિપુર જવા રવાના થઈ ગઈ છે. CPI(M)ના મહામંત્રી સીતારામ યેચુરીના નેતૃત્વમાં ચાર નેતાઓની એક ટીમ 18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રાજ્યનો પ્રવાસ કરશે. મણિપુર જવા રવાના થતા મીડિયા સાથે વાતચીતમાં યેચુરીએ જણાવ્યું કે અમે મણિપુરના લોકો સાથે એકતા દર્શાવવા અને ભારત તેમની સાથે છે તે તેમને જણાવવા માટે મણિપુર જઈ રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે મણિપુરના મુખ્યમંત્રીને તેમના પદ પરથી હટાવી દેવા જોઈએ. રાજ્યમાં શાંતિની પુનઃસ્થાપના કરવા માટે અમે જે પણ શક્ય હશે તે કરીશું. રાજ્યની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને દેશની એકતા માટે તેને નિયંત્રિત કરવાની જરૂર છે.
CBIએ મણિપુર હિંસાની તપાસ શરૂ કરી
દરમિયાન, કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ મણિપુર હિંસાની તપાસ શરૂ કરી છે. આ માટે 53 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે, જેમાં 29 મહિલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીબીઆઈની ટીમમાં ત્રણ ડીઆઈજી લવલી કટિયાર, નિર્મલા દેવી અને મોહિત ગુપ્તા તથા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ રાજવીર સિંહ પણ સામેલ છે. આ અધિકારીઓ તેમનો રિપોર્ટ સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર ઘનશ્યામ ઉપાધ્યાયને આપશે. તમને જણાવી દઈએ કે આ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં મહિલા તપાસ અધિકારીઓને તપાસ ટીમમાં સામેલ કરવામાં આવ્યાં છે.
Advertisement