બાલાસોર ટ્રેન અકસ્માતમાં 290 થી વધુ લોકોના મોત માટે કોણ જવાબદાર? તાજેતરનો અહેવાલ તેના પર પ્રકાશ પાડે છે. આ રિપોર્ટમાં રેલ્વે સેફ્ટી કમિશને જણાવ્યું હતું કે સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં અનેક સ્તરે થયેલી ચૂકને કારણે આ ટ્રેન દુર્ઘટના થઈ હતી. આ સંદર્ભમાં પંચે રેલવે મંત્રાલયને તપાસ અહેવાલ સોંપી દીધો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઈએ પણ તેના રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જો ક્ષતિઓની અવગણના ન કરવામાં આવી હોત તો આ અકસ્માતને ટાળી શકાયો હોત.
Advertisement
Advertisement
રિપોર્ટમાં મોટો ખુલાસો!
રિપોર્ટ અનુસાર, 2018માં થયેલા નબળા રિપેર વર્કને કારણે કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇન પર દોડવા લાગી અને ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ ગઈ. રિપોર્ટ અનુસાર, આવી જ ઘટના 16 મે 2022ના રોજ ખડગપુર રેલવે ડિવિઝન હેઠળના બંગાળના એક સ્ટેશન પર બની હતી. ખોટા વાયરિંગના કારણે ટ્રેન બીજા રુટ પર ડાયવર્ટ થઈ ગઈ હતી. સ્ટેશન માસ્ટરે સમયસર ખામી શોધી કાઢી હોત તો આ અકસ્માતને અટકાવી શકાયો હોત.
સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવારની સમસ્યાને લીધે અકસ્માત
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્થાનિક સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવાર થતી સમસ્યાઓને દૂર કરવામાં આવી હોત તો 2 જૂનની ઘટનાને અટકાવી શકાઈ હોત. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અગાઉ લગાવવામાં આવેલી સિગ્નલિંગ સર્કિટમાં ખામીને કારણે કોરોમંડલ એક્સપ્રેસ અકસ્માત થયો હતો. મહત્વની વાત એ છે કે રિપોર્ટમાં નોંધાયેલી માહિતી સીબીઆઈની તપાસમાં સામેલ કરવામાં આવશે.
2 જૂને થયો હતો ભયંકર અકસ્માત
2 જૂને ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં 292 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. રેલવેને આ ઘટના પાછળ સિગ્નલ સિસ્ટમ સાથે ચેડાં થયાની આશંકા હતી. તેને પગલે કેન્દ્ર સરકારે CBIને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનામાં બહાનાગા રેલ્વે સ્ટેશન પહેલા કોરોમંડલ એક્સપ્રેસ એક ગુડ્ઝ ટ્રેન સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનનાં કેટલાંક ડબ્બા બીજા ટ્રેક પર પડ્યા હતા અને સામેની બાજુથી આવતી ટ્રેન તેની સાથે અથડાઈ હતી, જેના કારણે ત્રણ ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
Advertisement