મણિપુરમાં લગભગ 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. દરમિયાન, પોલીસ અને સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી બનાવી છે. સુરક્ષા દળોએ છેલ્લાં 24 કલાકમાં હિંસાગ્રસ્ત મણિપુરના વિવિધ જિલ્લાઓમાં ઉગ્રવાદીઓ દ્વારા બાંધવામાં આવેલા 12 બંકરોને નષ્ટ કરી દીધા છે. મણિપુર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળોએ તમેંગલોંગ, ઈમ્ફાલ ઈસ્ટ, બિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચંદપુર અને કાકચિંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરતા 12 બંકરોનો નાશ કરી દીધો છે. એટલું જ નહીં, 135 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા હતા.
Advertisement
Advertisement
મણિપુર પોલીસે જણાવ્યું હતું કે સ્થિતિ તંગ છે પરંતુ કેટલાંક સ્થળોએ નિયંત્રણમાં છે, કેટલાંક છૂટાછવાયા બનાવો બન્યા છે. પરંતુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે. નિવેદનમાં જણાવાયું છે કે કરફ્યુ ઉલ્લંઘન, ઘરોમાં ચોરી, આગચંપી વગેરે ગુના માટે 135 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 1100 હથિયારો, 13702 દારૂગોળો અને વિવિધ પ્રકારના 250 બોમ્બ મળી આવ્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાં ફ્લેગ માર્ચ, એરિયા ડોમિનેશન, નાકાબંધી અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે.
પોલીસે સામાન્ય લોકોને અપીલ કરી
પોલીસે સામાન્ય જનતાને કોઈપણ અફવાની જાણ કરવા, કેન્દ્રીય કંટ્રોલ રૂમ નંબર 9233522822 પર ડાયલ કરવા અને રાજ્યમાં સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે શક્ય તમામ મદદ આપવા અપીલ કરી છે. આ સાથે હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકોને તાત્કાલિક પોલીસ અથવા સુરક્ષા દળોને સોંપી દેવાની પણ અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 24 જૂને દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં મણિપુરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારથી, પોલીસ અને સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ઝડપી કર્યું છે. હિંસામાં અત્યાર સુધી 115 લોકોનાં મોત થયા છે, જ્યારે 40 હજાર લોકો વિસ્થાપિત થયા છે. હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસની સાથે સેના અને આસામ રાઈફલ્સના જવાનો પણ તૈનાત છે. આ કારણસરથી હિંસાને અમુક અંશે કાબૂમાં લેવામાં સફળતા મળી છે.
Advertisement