નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર લોરેન્સ, બંબીહા અને દલ્લાના ગુનાખોરીના સામ્રાજ્ય પર મોટો હુમલો કર્યો છે. NIAએ આતંકવાદીઓ અને ખાલિસ્તાન સમર્થકો સાથે તેમની સાંઠગાંઠના પુરાવા મળ્યા બાદ મંગળવારે રાત્રે છ રાજ્યોમાં 51 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એજન્સીની ટીમો સવાર સુધી તેમના અડ્ડાની તપાસ કરી રહી હતી. આ ટીમો હજુ પણ તેમના આ ઠેકાણાઓ પર હાજર રહીને કાર્યવાહી કરી રહી છે.
Advertisement
Advertisement
NIAની આ કાર્યવાહીથી ગેંગસ્ટર ટેરર નેટવર્કના સ્થાનિક ગુનેગારો ભૂગર્ભમાં જતા રહ્યા છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી-એનસીઆરમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. પંજાબમાં 30, રાજસ્થાનમાં 13, હરિયાણામાં 4, ઉત્તરાખંડમાં 2, દિલ્હીમાં એક અને યુપીમાં એક જગ્યાએ NIAના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. છ રાજ્યોમાં ત્રણ કેસમાં લોરેન્સ, બંબીહા અને અર્શ દલ્લા ગેંગના સહયોગીઓ સાથે સંબંધિત 51 જગ્યાએ આ કાર્યવાહી કરવામાં આવી છે. NIAની ટીમ હજુ પણ પંજાબના ભટિંડા અને મોગામાં હાજર છે.
એજન્સીને પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં છુપાયેલા ગેંગસ્ટરોના ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સંબંધ હોવાના પુરાવા મળ્યા છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ અને બંબીહા ગેંગના નામ સામે આવી ચૂક્યા છે. લોરેન્સને ટક્કર આપવા માટે બંબીહાએ પાકિસ્તાનની મદદ લીધી હોવાના પુરાવા પણ મળ્યા છે. અર્શ દલ્લા વિદેશમાં છુપાયો છે. તે ત્યાંથી ગુનાનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. આ ઉપરાંત, આતંકવાદને સમર્થન આપતા ગોલ્ડી બ્રાર જેવા ગેંગસ્ટર પણ એજન્સીના રડાર પર છે.
એજન્સીને પડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારતમાં માત્ર ડ્રગ્સ જ નહીં ખતરનાક આતંકીઓને પણ મોકલવામાં આવતા હોવાના મજબૂત પુરાવા મળ્યા છે. આ માટે પાકિસ્તાન આ ગેગસ્ટર્સને મદદ કરીને પોતાની તિજોરીઓ ભરી રહ્યું છે. પાકિસ્તાન તેમને અત્યાધુનિક શસ્ત્રો પણ પૂરા પાડી રહ્યું છે. કેનેડામાં રહેતા ઘણાં ખાલિસ્તાન સમર્થકો અને ખાલિસ્તાની આતંકવાદીઓ ISIના સતત સંપર્કમાં છે.
Advertisement