રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ભારતમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ ફરી એક વખત મોટી કાર્યવાહી કરી છે. ફુલવારી શરીફ કેસમાં તપાસ એજન્સી ફરી એકવાર એક્શન મોડમાં આવી છે. NIAએ આજે ત્રણ રાજ્યોમાં PFIના 25 સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAની ટીમ કર્ણાટક, કેરળ અને બિહારમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે.
Advertisement
Advertisement
PFI અને તેના સહયોગીઓ સામે કાર્યવાહી
NIA કર્ણાટક, બિહાર અને કેરળમાં પ્રતિબંધિત સંગઠન PFI અને તેના સહયોગીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તપાસ એજન્સી બિહારના કટિહારમાં મોહમ્મદ નદવી અને તેના સહયોગીઓ સામે પણ કાર્યવાહી કરી રહી છે. મોહમ્મદ નદવી ઘણાં સમયથી PFI સાથે જોડાયેલો છે.
દરોડા દરમિયાન કડક સુરક્ષા બંદોબસ્ત
સૂત્રોના જણાવ્યા અનુસાર ફુલવારી શરીફ કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો કર્ણાટકમાં પાડવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં PFIના 16 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. બિહારના ફુલવારી શરીફમાં PFIનો 2047 નામનો દસ્તાવેજ મળી આવ્યો હતો. NIAના જણાવ્યા અનુસાર આ દસ્તાવેજમાં દેશમાં સત્તા હડપ કરવાના ષડયંત્રનો ખુલાસો થયો હતો. દરોડા દરમિયાન કડક સુરક્ષા બંદોબસ્ત માટે સ્થાનિક હસનગંજ પોલીસની એક ટીમ અને અર્ધલશ્કરી દળોની ટીમ હાજર છે.
UAPA હેઠળ પ્રતિબંધ લાદવામાં આવ્યો
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ગૃહ પ્રધાન દ્વારા જાહેર એક ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે સરકારે PFI ની વિઘટનકારી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને, ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ, 1967, એટલે કે UAPA ની કલમ 3 ની પેટા કલમ 1 હેઠળ તેની સત્તાઓનો ઉપયોગ કર્યો છે. PFIને UAPAની કલમ 35 હેઠળ 42 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. પીએફઆઈ પર આતંકવાદી સંબંધોનો આરોપ છે. દેશના કેટલાક રાજ્યોમાં PFI પર સતત દરોડા પાડ્યા બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો.
Advertisement